BRICS SUMMIT 2026: ભારત મંડપમ પહોંચ્યા પુતિન, PM મોદી સાથે મોટી બેઠક; આ મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવી પહોંચ્યા છે. થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. વૈશ્વિક રાજદ્વારી દ્રષ્ટિએ આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે બંને દેશો વચ્ચે આર્થિક, ઔદ્યોગિક અને સૈન્ય વ્યૂહરચના ઉપરાંત ઊર્જા અને વેપાર ક્ષેત્રે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી-પુતિન બેઠકમાં વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડૉલર સુધી પહોંચાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક મુખ્ય એજન્ડા રહેશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે વિવિધ 6 મહત્વના ક્ષેત્રોમાં વ્યાપક ભાગીદારી માટે વિગતવાર ચર્ચા થશે.
PM મોદી-પુતિન દ્વિપક્ષીય બેઠકના મુખ્ય સંભવિત મુદ્દાઓ
$100 બિલિયનનો મહત્વાકાંક્ષી વેપાર ટાર્ગેટ: ભારત અને રશિયા વચ્ચે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 100 અબજ અમેરિકન ડૉલર સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કરાશે.
ભારતમાં INNOPROM અને ઔદ્યોગિક સહયોગ.
રશિયા સાથે ઔદ્યોગિક સહયોગ વધારવો.
રેલવે સેક્ટર અને ટનલિંગ ટેકનોલોજીમાં સંયુક્ત ભાગીદારી.
સ્ટીલ વેલ્યુ ચેઇનનો વિકાસ.
બિઝનેસ-ટુ-બિઝનેસ તકો વધારવી અને ભારતીય ઉત્પાદનો માટે રશિયન માર્કેટની પહોંચ વધુ સુલભ બનાવવી.
સિવિલ ન્યુક્લિયર સહયોગ મજબૂત કરવો:
પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહકાર વધારવો, જેમાં ફ્યુઅલ સાયકલ અને લાઇફ સાયકલ સપોર્ટનો સમાવેશ થાય છે.
સ્કિલ્ડ લેબર:
રશિયામાં ભારતીય કુશળ કામદારો ની સંખ્યા અને અવરજવર વધારવા માટે વિશેષ સહયોગ.
ક્રિટિકલ મિનરલ્સ:
ભવિષ્યની ટેકનોલોજી, બેટરી અને સેમિકન્ડક્ટર્સ માટે જરૂરી મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સંયુક્ત ભાગીદારી.
ખાતર ક્ષેત્રમાં સહકાર:
વ્યૂહાત્મક સંયુક્ત સાહસો દ્વારા ખાતરનો પૂરવઠો જાળવી રાખવો અને તેમાં સતત વધારો કરવો. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે, જે ભારત-રશિયાના પરંપરાગત સંબંધોને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં નવી ગતિ આપશે.

