મુખ્ય સામગ્રી પર જાઓ

Video: "CEC તટસ્થ અમ્પાયર તરીકે અયોગ્ય સાબિત થયા!" રામલીલા મેદાનની રેલી પહેલાં શશિ થરૂરનો ચૂંટણી પંચ પર પ્રહાર

સોર્સ: gstv

મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (INDIA) દ્વારા જાહેર કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને મહાભિયોગ કાર્યક્રમ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી કમિશનર એક નિષ્પક્ષ અમ્પાયર તરીકેની પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે.

દિલ્હી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં શશિ થરૂરે સ્પષ્ટતા કરી કે, "આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ સંદેશ આપવાનો છે કે મુખ્ય ચૂંટણી કમિશનર ચૂંટણી પ્રક્રિયાના તટસ્થ અમ્પાયર તરીકે ગેરલાયક સાબિત થયા છે. કોંગ્રેસ પક્ષ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં મહાભિયોગ માટેની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓ દ્વારા આ નોટિસનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ જ કારણે અમારી પાસે સંસદ બહાર આ પ્રકારનો મહાભિયોગ કાર્યક્રમ યોજવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી." તેમણે ઉમેર્યું કે જો ગૃહમંત્રી એટલી ઉદારતા દાખવીને લોકસભા સ્પીકર અને રાજ્યસભાના સભાપતિને આ નોટિસ સ્વીકારવાની સલાહ આપે, તો વિપક્ષ સંસદની અંદર પણ આ મહાભિયોગ લાવવા સંપૂર્ણ તૈયાર છે.

આ ઉપરાંત ૧ નવેમ્બરના રોજ યોજાનારી ઈન્ડિયા બ્લોકની વિશાળ રેલી અંગે વાત કરતાં શશિ થરૂરે જણાવ્યું હતું કે, રામલીલા મેદાન ખાતે કાર્યક્રમ યોજવા માટે સત્તાવાર પરવાનગી મળી ચૂકી છે અને સમગ્ર દેશમાંથી વિશાળ જનમેદની આ મહારેલીમાં ભાગ લેવા આવી રહી છે. ત્યાં પહોંચવાના માર્ગો કે વ્યવસ્થાઓ અંગે જે પણ વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેના પર પક્ષનું ટોચનું નેતૃત્વ યોગ્ય નિર્ણય લેશે; પરંતુ જ્યાં સુધી તેમનો સવાલ છે, રામલીલા મેદાન ખાતેની આ મહારેલી નિર્ધારિત કાર્યક્રમ મુજબ યોજાશે જ.

આ સમાચાર શેર કરો