Video: "માત્ર મોટા ઉદ્યોગપતિઓનું જ રાજ નથી!" રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે નિર્મલા સીતારમણે આપ્યો જડબાતોડ જવાબ!

સોર્સ: gstv

દેશમાં આર્થિક શક્તિ અને સંપત્તિ માત્ર અમુક મોટા ઔદ્યોગિક ગૃહોના હાથમાં કેન્દ્રિત થઈ રહી હોવાના વિપક્ષના આક્ષેપો પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વાત કદાચ એક કે બે દાયકા પહેલાં સાચી હોઈ શકે છે, પરંતુ વર્તમાન ભારતમાં આ દાવો સંપૂર્ણ સત્ય નથી કારણ કે આજે દેશમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ સ્ટાર્ટઅપ્સ અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહ્યા છે.

મોટી કંપનીઓ વધે તેમાં ખોટું શું?

જાહેરાત

નાણામંત્રીએ જણાવ્યું કે, "આજે પણ દેશમાં અમુક મોટી કંપનીઓ અસ્તિત્વ ધરાવે છે, તેમાં કોઈ શંકા નથી અને હું તેમના માટે ખુશ છું. તેઓ હોવી પણ જોઈએ અને તેમનો વિકાસ પણ થવો જોઈએ. પરંતુ માત્ર તેમના હાથમાં જ આર્થિક શક્તિ છે તે કહેવું યોગ્ય નથી, કારણ કે આજના ભારતમાં MSME સેક્ટર તેજીથી ફૂલીફાલી રહ્યું છે."

MSMEની વ્યાખ્યા કેમ બદલવી પડી?

તેમણે વધુમાં ખુલાસો કર્યો કે, "અમારે MSMEની વ્યાખ્યામાં ફેરફાર એટલા માટે કરવો પડ્યો જેથી કોઈ ઉદ્યોગ મોટો થાય તો પણ તેને મળતા સરકારી લાભો છીનવાઈ ન જાય. સરકાર ઇચ્છતી હતી કે નાનો ઉદ્યોગ હંમેશા ‘વામન’ બનીને ન રહી જાય. અમે ઇચ્છતા હતા કે સૂક્ષ્મ (માઇક્રો) ઉદ્યોગ લઘુ (સ્મોલ) બને, લઘુ ઉદ્યોગ મધ્યમ (મીડિયમ) બને અને મધ્યમ ઉદ્યોગ વિશાળ બને. આ જ કારણથી નિયમો બદલાયા જેથી વિકાસ કરવા છતાં તેમને લાભ મળતા રહે."

નિકાસમાં 40% હિસ્સો અને યુનિકોર્નની તેજી

ભારતના આર્થિક ઈતિહાસની સિદ્ધિઓને રેખાંકિત કરતાં નાણામંત્રીએ નોંધ્યું હતું કે, જે ગતિએ દેશમાં સ્ટાર્ટઅપ્સમાંથી નવા યુનિકોર્ન અને અબજોપતિ કંપનીઓ ઊભરી રહી છે તે ભારત માટે અદભુત અને ઐતિહાસિક છે. તેમણે અંતમાં જણાવ્યું કે, આજે ભારતના કુલ એક્સપોર્ટ (નિકાસ)માં 40 ટકા હિસ્સો માત્ર MSME સેક્ટરનો છે, જે સાબિત કરે છે કે દેશનો સામાન્ય ઉદ્યોગસાહસિક વૈશ્વિક સ્તરે ભારતની આર્થિક શક્તિ વધારી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત