બરફના તોફાનમાં ખોવાયા 6 ભારતીયો? નેપાળમાં સર્ચ ઓપરેશન શરૂ

નેપાળના હિમાલય વિસ્તારમાં ટ્રેકિંગ (Trekking) માટે ગયેલા છ ભારતીય પ્રવાસીઓ અચાનક ગુમ થઈ જતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. નેપાળના ડોલ્પા જિલ્લામાં આવેલા શે ફોક્સુન્ડો સરોવર (Shey Phoksundo Lake) તરફ જતી વખતે ભારે હિમવર્ષા વચ્ચે આ પ્રવાસીઓનો સંપર્ક તૂટી ગયો છે. ગુમ થયેલા લોકોમાં ચાર પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેમની શોધખોળ માટે નેપાળની સેનાની ટીમ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, મુશ્કેલ હવામાનને કારણે હેલિકોપ્ટરની મદદ પણ માગવામાં આવી છે.
નુમા લા અને બાગા લા પાસ વચ્ચે સંપર્ક તૂટ્યો
મળતી માહિતી મુજબ, છ ભારતીય પ્રવાસીઓ ડોલ્પાથી શે ફોક્સુન્ડો સરોવર તરફ મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન નુમા લા અને બાગા લા નામના બે ઊંચા પર્વતીય માર્ગો (Mountain Passes) નજીક તેમનો સંપર્ક તૂટી ગયો હતો. આ બંને માર્ગો શે ફોક્સુન્ડો રૂરલ મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર 4 અને 8 વચ્ચે આવેલા છે.
સ્થાનિક માર્ગદર્શકો (Local Guides)ને આશંકા છે કે ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ રસ્તામાં જ ફસાઈ ગયા હોઈ શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓને અગાઉ જ ચેતવણી આપવામાં આવી હતી કે ભારે બરફવર્ષાને કારણે આ પર્વતીય રસ્તાઓ પાર કરવા મુશ્કેલ બનશે. તેમ છતાં પ્રવાસીઓએ આગળ વધવાનું નક્કી કર્યું હતું.
પરત ફરતી વખતે બરફમાં ફસાયા હોવાની આશંકા
ડોલ્પાના મુખ્ય જિલ્લા અધિકારી જૂનુ હમાલે જણાવ્યું હતું કે પ્રવાસીઓ ધોથી ફોક્સુન્ડો સરોવર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ બરફમાં ફસાઈ ગયા હોવાની માહિતી મળી છે. સ્થાનિક લોકોએ તેમને જોખમી હવામાન અને રસ્તાઓ અંગે અગાઉથી સાવચેત કર્યા હતા, પરંતુ તેઓ પોતાની મુસાફરી ચાલુ રાખી હતી. ત્યારબાદ તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
આ વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. પર્વતીય રસ્તાઓ પર બરફના જાડા થર જામી ગયા હોવાથી બચાવ કામગીરી (Rescue Operation)માં પણ અડચણો આવી રહી છે.
હેલિકોપ્ટરથી શોધખોળ કરવાની તૈયારી
ડોલ્પાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DSP) અનિલ રાજ ગિરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી છ ભારતીય પ્રવાસીઓની કોઈ ભાળ મળી નથી. તેમને શોધવા માટે સંબંધિત એજન્સીઓ પાસે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે.
જોકે, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા શોધખોળ કરવી પણ પડકારરૂપ બની શકે છે. આ ઉપરાંત, જે પર્વતીય વિસ્તારમાં પ્રવાસીઓ ગુમ થયા છે ત્યાં મોબાઇલ નેટવર્ક (Mobile Network) ઉપલબ્ધ નથી. તેના કારણે પ્રવાસીઓનો સંપર્ક સ્થાપિત કરવો અને તેઓ ક્યાં ફસાયા છે તેની ચોક્કસ માહિતી મેળવવી મુશ્કેલ બની રહી છે.
નેપાળની સેનાની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ
ડોલ્પાના મુખ્ય જિલ્લા અધિકારી જૂનુ હમાલે જણાવ્યું હતું કે ગુમ થયેલા પ્રવાસીઓને શોધવા અને તેમને સુરક્ષિત બહાર લાવવા માટે નેપાળની સેનાની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને સેનાની ટીમ સંકલન કરીને શોધખોળની તૈયારી કરી રહી છે.
શે ફોક્સુન્ડો રૂરલ મ્યુનિસિપાલિટીના પ્રમુખ ધાવા સામદુક ગુરુંગે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 4 અને 8 વચ્ચે આવેલા પર્વતીય માર્ગો પર મોબાઇલ નેટવર્ક નથી. આથી ગુમ થયેલા પ્રવાસીઓ અંગેની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
અપર ડોલ્પામાં 244 પ્રવાસીઓ પહોંચ્યા હતા
જિલ્લા વહીવટીતંત્રના આંકડા મુજબ, અપર ડોલ્પા વિસ્તારમાં કુલ 244 પ્રવાસીઓ પહોંચ્યા હતા. તેમાં 149 નેપાળી નાગરિકો, 44 સાર્ક (SAARC) દેશોના નાગરિકો અને અન્ય દેશોના 51 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે તમામ પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.
હાલ છ ભારતીય પ્રવાસીઓનો કોઈ પત્તો મળ્યો નથી. ભારે હિમવર્ષા, ઊંચાઈવાળા પર્વતીય રસ્તાઓ અને સંચાર વ્યવસ્થાના અભાવ વચ્ચે તેમની શોધખોળ ચાલી રહી છે. હવે હેલિકોપ્ટર અને સેનાની મદદથી તેમને સુરક્ષિત શોધી કાઢવામાં આવે તે તરફ સૌની નજર છે.











