મુખ્ય સામગ્રી પર જાઓ

ઓમર અબ્દુલ્લા સરકાર પર સંકટનાં વાદળો? 12થી વધુ ધારાસભ્યોની અલગ બેઠકથી રાજકારણ ગરમાયું

ઓમર અબ્દુલ્લા સરકાર પર સંકટનાં વાદળો? 12થી વધુ ધારાસભ્યોની અલગ બેઠકથી રાજકારણ ગરમાયું
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા કેબિનેટ વિસ્તરણને લઈને સત્તાધારી નેશનલ કોન્ફરન્સ (NC)ના ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે. શુક્રવારે શ્રીનગરમાં પાર્ટીના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ અલગ બેઠક યોજી હતી. આ બેઠકને કારણે પાર્ટીમાં આંતરિક મતભેદો હોવાની ચર્ચા તેજ બની છે.

આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ કોન્ફરન્સના એક વરિષ્ઠ ધારાસભ્યના સત્તાવાર નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી. તેમાં તાજેતરના કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં ધારાસભ્યોમાં નારાજગી હોવાનું કહેવાય છે. બેઠકમાં હાજર રહેલા ધારાસભ્યોએ આ અંગે ખુલ્લેઆમ કંઈ કહેવાનું ટાળ્યું છે. પરંતુ પાર્ટીના સત્તાવાર એજન્ડા વિના એક ડઝનથી વધુ ધારાસભ્યો પહેલીવાર આ રીતે એકઠા થયા હોવાનું માનવામાં આવે છે.

ધારાસભ્યો ફારૂક અબ્દુલ્લા સાથે કરશે મુલાકાત

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં હાજર ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાને મળવાનો નિર્ણય લીધો છે. તેઓ તેમની સમક્ષ પાર્ટીના આંતરિક મુદ્દાઓ રજૂ કરશે. રાસભ્યોની મુખ્ય નારાજગી એ વાતને લઈને છે કે ચૂંટાયેલા વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવી રહી છે, જ્યારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની નજીકના કેટલાક એવા લોકોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી.

વરિષ્ઠ ધારાસભ્યોએ પણ વ્યક્ત કરી હતી નારાજગી

પ્રથમ કેબિનેટ વિસ્તરણ બાદ જ નેશનલ કોન્ફરન્સના કેટલાક ધારાસભ્યોએ યોગ્ય નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન ન મળવા અંગે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. વરિષ્ઠ ધારાસભ્યો મુબારક ગુલ અને અબ્દુલ મજીદ લાર્મીએ પાર્ટીના નિર્ણયની ટીકા કરી હતી. તેમનું કહેવું હતું કે વરિષ્ઠ ધારાસભ્ય હોવા છતાં તેમની અવગણના કરવામાં આવી છે.

પીર પંજાલ વિસ્તારના કેટલાક ધારાસભ્યોએ પણ કેબિનેટ વિસ્તરણ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે, આ નિર્ણયથી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. બીજબેહરા બેઠકના ધારાસભ્ય બશીર અહેમદ વીરીએ પણ મંત્રીમંડળમાં કેટલાક એવા મંત્રીઓને યથાવત્ રાખવા સામે સવાલ ઉઠાવ્યા હતા, જેમનું પ્રદર્શન સારું રહ્યું નહોતું.

ચાર નવા મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બે વર્ષ બાદ પ્રથમવાર કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. આ વિસ્તરણમાં ચાર નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

નવા મંત્રીઓનાં નામ અને તેમના મતવિસ્તાર નીચે મુજબ છે:

- અલી મોહમ્મદ સાગર – ખન્યાર, શ્રીનગર
- સૈફુલ્લાહ મીર – ત્રેહગામ, કુપવાડા
- અલ્તાફ વાની – પહેલગામ, અનંતનાગ
- શમીમા ફિરદૌસ – હબ્બાકદલ, શ્રીનગર

આ વિસ્તરણ પાછળ ઓમર અબ્દુલ્લાનો હેતુ પાર્ટીના અનુભવી નેતાઓ અને યુવા નેતૃત્વ વચ્ચે સંતુલન જાળવવાનો હોવાનું માનવામાં આવે છે.જોકે, કેબિનેટમાં સ્થાન ન મળતાં મુબારક ગુલને જનરલ સેક્રેટરીના પદ પરથી પણ હટાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં તેમણે જનરલ સેક્રેટરીની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

1984ના બળવાની યાદો ફરી તાજી થઈ

ઓમર અબ્દુલ્લા સરકારને વિધાનસભામાં બહુમતીનું સમર્થન છે. તેમ છતાં, પાર્ટીના ધારાસભ્યોની આ અલગ બેઠકથી નેશનલ કોન્ફરન્સના નેતૃત્વની ચિંતા વધી શકે છે. પાર્ટીના ઇતિહાસમાં વર્ષ 1984માં પણ આવી જ આંતરિક બળવાની ઘટના બની હતી. તે સમયે નેશનલ કોન્ફરન્સમાં બળવો થયો હતો અને ફારૂક અબ્દુલ્લાના બનેવી ગુલામ મોહમ્મદ શાહે કોંગ્રેસની મદદથી સરકાર ઉથલાવીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ જ કારણસર વર્તમાન સમયમાં ધારાસભ્યોની અલગ બેઠકને પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ માનવામાં આવી રહી છે.

પાર્ટીના નેતાઓએ મતભેદોને ગણાવ્યા આંતરિક બાબત

નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા ઇમરાન નબી ડારે ધારાસભ્યોની અલગ બેઠક અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, છેલ્લા ત્રણ દિવસથી પાર્ટીના વરિષ્ઠ મંત્રીઓ અને નેતાઓ આંતરિક મતભેદોના અહેવાલોને હળવાશથી લેતા જોવા મળ્યા છે. તેમનું કહેવું છે કે નેશનલ કોન્ફરન્સ એક પરિવાર છે અને પાર્ટીના દરેક નેતાને પોતાના વિચારો તથા અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે.

જોકે, કેબિનેટ વિસ્તરણ બાદ ઊભા થયેલા અસંતોષ અને ધારાસભ્યોની અલગ બેઠકથી જમ્મુ-કાશ્મીરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

આ સમાચાર શેર કરો