હરિયાણામાં ભાજપની સરકાર સંકટમાં, અપક્ષના ત્રણ ધારાસભ્યએ ટેકો પરત ખેંચ્યો
લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અપક્ષના ત્રણ ધારાસભ્યોએ ભાજપની સૈની સરકારમાંથી પોતાનું સમર્થન

લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અપક્ષના ત્રણ ધારાસભ્યોએ ભાજપની સૈની સરકારમાંથી પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. કોંગ્રેસને સમર્થન આપ્યું છે. જેમાં દાદરીના ધારાસભ્ય સોમબીર સાંગવાન, નીલોખેડીના ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને પુંડરીથી ધારાસભ્ય રણધીર ગોલનના નામ સામેલ છે.
હરિયાણાના મુખ્યમંત્રીએ શું કહ્યું?
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું, "ધારાસભ્યોની કેટલીક ઇચ્છાઓ હોય છે, કોંગ્રેસ આજકાલ ઇચ્છાઓ પૂર્ણ કરવામાં લાગેલી છે. લોકો બધું જાણે છે કે કોની શું ઇચ્છા છે. કોંગ્રેસને જનતાની ઇચ્છાઓ સાથે મતલબ નથી."
લઘુમતીમાં ભાજપની સરકાર
હરિયાણા વિધાનસભા 90 ધારાસભ્યો વાળી વિધાનસભા છે. હાલ, વિધાનસભામાં 88 ધારાસભ્ય છે. જેમાંથી ભાજપના 40, કોંગ્રેસના 30 અને જેજેપીના 10 ધારાસભ્ય છે. આ સિવાય હરિયાણા લોકહિત પાર્ટીના એક, ઈનેલોના એક ધારાસભ્ય છે. જ્યારે છ ધારાસભ્ય અપક્ષના છે. હાલના સમયે ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. અપક્ષના સહારે ચાલી રહેલી ભાજપ સરકારની હાલ મુશ્કેલી વધી ગઈ છે. હાલ, ભાજપ પાસે 40 પોતાના ધારાસભ્ય અને 3 અન્ય ધારાસભ્યોનો સાથ છે.
દીપેન્દ્રસિંહ હુડ્ડાએ શું કહ્યું?
રોહતક લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું, રાજ્યમાં સ્થિતિ ભાજપ વિરૂદ્ધ બની ગઇ છે, બદલાવ નિશ્ચિત છે. ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઇ છે, તેને 48 ધારાસભ્યોની યાદી આપી છે જેમાં કેટલાક ધારાસભ્યના રાજીનામા પડ્યા છે કારણ કે તે લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ભાજપ પાસેથી સમર્થન પરત લઇને કોંગ્રેસને સમર્થન આપવાનું કામ કર્યું છે.








