રાહુલ ગાંધીની વિદેશ યાત્રા બાબતે ભાજપ - કોંગ્રેસના એકબીજા પર આરોપ

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની વિદેશ યાત્રા બાબતે ભાજપે નિવેદન આપ્યું હતું. ભાજપે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો મૂક્યો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં ટિકિટ લઈને બેઠેલી દેખાય છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફલાઇટમાં રાહુલ ગાંધી પણ હતા. જોકે આ વીડિયો કયારનો છે એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ભાજપના સોશ્યલ એકાઉન્ટ પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું હતું કે, 'જૂઠાણું ફેલાવતા ફેલાવતા થાકી ગયો છું…. કેટલાક દિવસ વિયેટનામ ફરીઆવું. કોઈને શું ખબર પડે.' કોંગ્રેસે આ પોસ્ટનો જવાબ આપતા લખ્યું હતું કે, 'કોણ વિદેશ પ્રવાસે જાય છે? કયારે તેઓ વિદેશ પ્રવાસે જાય છે…. શું બીજા કોઈ વિદેશ પ્રવાસે જતા જ નથી? રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે. તેઓ વિદેશના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે. તેઓ વિદેશ જઈને પત્રકારોને મુલાકાતો પણ આપે છે, જે કામ ભારતના વડાપ્રધાન કરતા નથી.'
આશુતોષ અને સૌરવને દિપકેએ પત્રમાં શું લખ્યું
કોકરોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસ હમણા તિહાર જેલમાં બંધ છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ બંનેના નામે એક લાગણીશીલ પત્ર લખ્યો છે. એમણે લખ્યું હતું કે, તમે મને ખૂબ યાદ આવો છો. હું ઇચ્છુ છું કે તમે જેલમાંથી જલ્દી બહાર આવી જાવ. આશુતોષ અને સૌરવ સામે આરોપ છે કે, એમણે સુરક્ષા વ્યવસ્થા તોડીને એસઆઇઆર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જંતર મંતરમાં પ્રવેશ કર્યો હતો. દિપકેએ ઇન્સ્ટાગ્રામ પર એમનો પત્ર પોસ્ટ કર્યો છે. એમણે યાદ કરતા લખ્યું છે કે કઈ રીતે આશુતોષ રાંકા અને સૌરવ દાસ છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગ્રુપ ઉભુ કરવામાં વ્યસ્ત હતા. એમના સમર્પણ અને હિંમતને કારણે સીજેપી લાખો લોકોની આશા બન્યું.
અભિનેતા પ્રકાશ રાજનો દાવો, ૨૩મી ઓક્ટોબરે આખા રાજ્યમાં જનતા માર્ચ નિકળશે
દક્ષિણ ભારતના અભિનેતા પ્રકાશ રાજ છેલ્લા કેટલાક દિવસોથી ખુલ્લેઆમ કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવો કરીને નિવેદનો આપી રહ્યા છે. પ્રકાશ રાજ કન્નડ ફિલ્મોના અભિનેતા છે. કર્ણાટકમાં ખેડૂતો અને દલીત સંગઠનો પણ એસઆઇઆર સામે લડવા એક થઈ ગયા છે. અભિનેતા પ્રકાશ રાજે આ બાબતે જાહેરાત કરીને કહ્યું હતું કે, એસઆઇઆર વિરુદ્ધ ૨૩મી ઓક્ટોબરે કર્ણાટકમાં જનતા માર્ચ કાઢવામાં આવશે અને જંતર મંતરની માફક વિરોધ પ્રદર્શન થશે. ખેડૂત અને દલીત સંગઠનોના પ્રતિનિધિઓએ કહ્યું હતું કે, ચૂંટણી કમિશનની જવાબદારી છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે કરાવે. હવે ચૂંટણી કમિશન સામે જ આક્ષેપો થઈ રહ્યા છે. એસઆઇઆરનો વિરોધ કરનાર લોકો શાંતિથી વિરોદ્ધ કરી રહ્યા છે છતાં સરકાર એમને કચડી નાખવાની કોશિષ કરે છે. પ્રકાશ રાજે કહ્યું હતું કે, 'અમે પહેલા પણ કહ્યું હતું કે યુવાનોનો અવાજ દબાવવામાં આવશે તો અમારો વિરોધ જંતર મંતર કરતા પણ મોટો હશે.'
પંજાબમાં અકાલી દળ ૩ફેસમાં યાત્રા કાઢશે
પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પંજાબના રાજકીય પક્ષોએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. સીરોમણી અકાલી દળ (એસએડી)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ પણ ચૂંટણી માટે આયોજન કરી રહ્યા છે. સીરોમણી અકાલી દળ પંજાબના તમામ ૧૧૭ વિધાનસભા ક્ષેત્રો કવર કરવા માટે રાજકીય યાત્રાની તૈયારી કરે છે. આ યાત્રાનો દરેક તબક્કો કોઈક ધાર્મિક સ્થળેથી શરૂ થશે જે પક્ષની સાંપ્રદાયીક ઓળખ જાહેર કરશે. એસએડીના પ્રમુખ સુખબીર સિંહ બાદલ ૧૦મી નવેમ્બરે કલવંદી સાબોથી પહેલા તબક્કાની યાત્રા શરૂ કરશે. આ યાત્રા માલવા ક્ષેત્રના ૬૫થી વધુ વિધાનસભા વિસ્તારને કવર કરશે. યાત્રા દરમિયાન દરરોજ બે વિધાનસભા વિસ્તારો કવર કરવામાં આવશે. એક ખાસ ડિઝાઇન કરેલી બસ મારફતે સુખબીર સિંહ બાદલ રસ્તા માર્ગે પ્રવાસ કરશે.
જેએનયુમાં ૧૭ દિવસથી ભૂખ હડતાળ
જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલય (જેએનયુ)ના વિદ્યાર્થીઓ ૧૭ દિવસથી ભૂખ હડતાળ પર છે. વિદ્યાર્થીઓની બગડી રહેલી તબિયતને કારણે કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા - માર્ક્સવાદી (સીપીએમ)ના રાજ્યસભા સાંસદ જોન બ્રીટાસએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને કેન્દ્રિય શિક્ષા મંત્રી પ્રહલાદ જોષીને આ બાબતે મધ્યસ્થી કરવાની વિનંતી કરી છે. વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાના હુકમ પરત કરવા તેમજ વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલા કેટલાક નિયમો દુર કરવા અને વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની માંગણી થઈ છે. બ્રીટાસએ રાષ્ટ્રપતિ અને શિક્ષણ મંત્રીને પત્ર લખવા ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. બ્રીટાસના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીઓએ ૩જી ઓક્ટોબરથી ભુખ હડતાળ શરૂ કરી હતી. સત્તાધિશો વિદ્યાર્થીઓની માંગણી અવગણી રહ્યા છે જેને કારણે વિદ્યાર્થીઓએ ભુખ હડતાળ શરૂ કરવી પડી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવાનો મુદ્દો પણ ચર્ચામાં છે.
દિલ્હીના ડીસીપીની જીભ લપસી અને થયો વિવાદ
દિલ્હીના ડીસીપી અભિષેક ધાનિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અભિષેકે ગેગસ્ટર લોરેન્શ બિશ્નોઇનું સંબોધન કરતા 'બિશ્નોઇ સાહેબ' કહ્યું હતું જેને કારણે સોશ્યલ મીડિયા પર તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. અભિજીત દિપકેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, 'લોરેન્સ બિશ્નોઇ માટે દિલ્હી પોલીસનું જે સન્માન છે એનું ૧૦ ટકા સન્માન વિદ્યાર્થીઓ પ્રત્યે રાખ્યું હોત તો દિલ્હી પોલીસ માટે માન વધી જતે.' જોકે ડીસીપી અભિષેકે આ વિવાદ પછી 'સ્લીપ ઓફ ટંગ' કહીને વાત અટકાવી દીધી હતી. એમના કહેવા પ્રમાણે તેઓ થોડા કલાકો પહેલા જ સિનિયર અધિકારી ઓમ બીર બિશ્નોઇને મળ્યા હતા એટલે એમના મગજમાં એમનું નામ હતું.
માર્કો રૂબિયો ભારત પહોંચ્યા, ત્રણ દિવસમાં શું કરશે?
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતની ત્રણ દિવસની મૂલાકાતે આવ્યા છે. એમની સાથે એમના પત્ની જેનેટ ડોસ્સડેબેસ રૂબિયો અને ભારતના અમેરિકન રાજદુત સર્જીયો ગોર પણ મુંબઈ પહોંચ્યા હતા. આ સિવાય એમની સાથે અમેરિકાનું મોટુ પ્રતિનિધિ મંડળ પણ આવ્યું છે. રૂબિયો ભારતની મુલાકાતે આવ્યા એ પહેલા વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે મુંબઈમાં અમેરિકન સાંસદોના એક પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, ઉર્જા, સુરક્ષા, ભારતમાં વેપાર કરવાની સગવડ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. માર્કો રૂબિયોની ભારત મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઉર્જા, વ્યાપાર અને રોકાણ તેમજ નવી ટેક્નીકના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે આપ-લે કરવાનો છે. પશ્ચિમ એશિયા સંકટ વિશે પણ બંને દેશો ચર્ચા કરશે.











