Video: J&K: બસ ખીણમાં ખાબકી, 16 મુસાફરો ઘાયલ; બચાવ કામગીરી શરૂ

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બુધવાર, 21 ઑક્ટોબર, 2026ના રોજ એક મોટો બસ અકસ્માત (Bus Accident) સર્જાયો હતો. પેચઉંડથી રામનગર જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ ગુલ્લી ગાલા વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનીને ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 16 મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમો (Rescue Teams) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
બસના ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર, પેચઉંડથી રામનગર તરફ જઈ રહેલી બસ ગુલ્લી ગાલા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેના કારણે બસ રસ્તા પરથી નીચે ઉતરીને ખીણમાં ખાબકી હતી. બસમાં અનેક મુસાફરો સવાર હતા. અકસ્માતની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બસને ભારે નુકસાન થયું હતું અને તેનું માળખું દબાઈને લોખંડના ઢગલા જેવું બની ગયું હતું.
સ્થાનિક લોકોએ શરૂ કરી બચાવ કામગીરી
અકસ્મતા બાદ આસપાસના સ્થાનિક ગ્રામજનો સૌથી પહેલાં મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે બસમાં ફસાયેલા અને ઘાયલ થયેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી રાહત ટીમો (Emergency Response Teams), સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને તબીબી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
હોસ્પિટલને એલર્ટ પર રાખવામાં આવી
ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદીએ અકસ્માત અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે સંબંધિત ટીમોને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. રામનગરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફને પણ એલર્ટ (Alert) પર રાખવામાં આવ્યો હતો, જેથી ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી શકે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ (Casualties) થયાના અહેવાલ નથી. જોકે, ઘાયલ મુસાફરોની સ્થિતિ અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તંત્ર સાથે વાત કરી
અકસ્મતાની જાણ થયા બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદી સાથે વાતચીત કરી હતી. તેમણે ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અંગે માહિતી મેળવી હતી. વહીવટીતંત્ર દ્વારા રાહત અને સારવારની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.
પર્વતીય વિસ્તારોમાં સાંકડા રસ્તા અને ઊંડી ખીણોને કારણે વાહન અકસ્માતો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ મુસાફરોને સમયસર સારવાર મળે તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.








