મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગરબા જોવા શાળાની વાડ કૂદી નીકળ્યા 5 વિદ્યાર્થીઓ, રસ્તામાં કાળ બનીને આવ્યો અકસ્માત! 2નાં મોતથી પાલઘરમાં શોક

ગરબા જોવા શાળાની વાડ કૂદી નીકળ્યા 5 વિદ્યાર્થીઓ, રસ્તામાં કાળ બનીને આવ્યો અકસ્માત! 2નાં મોતથી પાલઘરમાં શોક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં નવરાત્રિનો ઉત્સવ જોવા ગયેલા પાંચ વિદ્યાર્થીઓની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. જવાહર તાલુકાની હિરડપાડા સ્થિત ગગનગીરી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓને પરત ફરતી વખતે ભયાનક મોટરસાઇકલ અકસ્માત (Bike Accident) નડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓનાં મોત થયાં છે, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શાળામાં ફરજ દરમિયાન બેદરકારી બદલ આચાર્ય, અધિક્ષક અને ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શાળાની વાડ કૂદીને નવરાત્રિ જોવા નીકળ્યા

મળતી માહિતી મુજબ, જવાહર તાલુકાના હિરડપાડા ગામમાં આવેલી ગગનગીરી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રવિવારે રાત્રે નવરાત્રિનો ઉત્સવ (Navratri Festival) જોવા માટે શાળામાંથી બહાર નીકળ્યા હતા. ચાર નિવાસી વિદ્યાર્થીઓ શાળાની વાડ કૂદીને બહાર ગયા હતા, જ્યારે એક બિનનિવાસી વિદ્યાર્થી પણ તેમની સાથે જોડાયો હતો.

પાંચેય વિદ્યાર્થીઓ ગામના એક વ્યક્તિ પાસેથી મોટરસાઇકલ લઈને નવરાત્રિ જોવા ગયા હતા. તેઓ એક જ મોટરસાઇકલ પર સવાર થઈને ગયા હતા. ઉત્સવ જોઈને પરત શાળાએ આવી રહ્યા હતા ત્યારે સોમવારે વહેલી સવારે તેમની સાથે દુર્ઘટના બની હતી.

નદીના ઘાટ પાસે મોટરસાઇકલ લપસતાં અકસ્માત

નવરાત્રિ જોઈને પરત ફરતી વખતે સારસુનથી ગામ નજીક નદીના ઘાટ વિસ્તારમાં મોટરસાઇકલ રસ્તા પરથી લપસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.

અકસ્મતમાં સુમિત ગિમ્બલ (18)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પ્રીતમ પો પોતિડા (15)ને ગંભીર હાલતમાં જવાહરની પતંગશાહા કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. બે કિશોર વિદ્યાર્થીઓનાં મોતથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ

અકસ્મતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ વિદ્યાર્થીઓને શરૂઆતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર જણાતાં વધુ સારવાર માટે નાશિકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, હાલ ત્રણેય ઘાયલ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. અકસ્માતનો ભોગ બનેલા પાંચ વિદ્યાર્થીઓ પૈકી બે ધોરણ 9માં, એક ધોરણ 10માં અને બે ધોરણ 12માં અભ્યાસ કરતા હતા.

તપાસ બાદ આચાર્ય, અધિક્ષક અને ચોકીદાર સસ્પેન્ડ

ઘટનાની જાણ થતાં સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ, જવાહરના પ્રોજેક્ટ ઓફિસર પી. કે. સિદ્ધાર્થ રામકુમારે તાત્કાલિક આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ફરજમાં બેદરકારી સામે આવતાં સંબંધિત સંસ્થાને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ આશ્રમ શાળાના માધ્યમિક વિભાગના આચાર્ય, અધિક્ષક અને ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આદિજાતિ વિકાસ વિભાગે શાળા સંચાલક ટ્રસ્ટ સહિત સંબંધિત લોકોને કારણદર્શક નોટિસ (Show-Cause Notice) પણ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

વહીવટીતંત્રે દુઃખ વ્યક્ત કર્યું

જિલ્લા વહીવટીતંત્રે આ ઘટનાને ગંભીર ગણાવી મૃતક વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલ વિદ્યાર્થીઓને જરૂરી તમામ તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.

નવરાત્રિનો ઉત્સવ જોવા માટે શાળામાંથી નીકળેલા વિદ્યાર્થીઓ સાથે બનેલી આ દુર્ઘટનાએ આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ સમાચાર શેર કરો