Video: રાહુલ ગાંધી અને 'INDIA' ગઠબંધન સામે ભાજપનો મોટો ખેલ? સંસદમાંથી PM-HM કેમ ભાગ્યા? કોંગ્રેસ નેતાના આકરા પ્રહારો

તેલંગાણાના કોંગ્રેસ સાંસદ મલ્લુ રવિએ કેન્દ્રની મોદી સરકાર, ભાજપ અને NDA ગઠબંધન પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી, કોંગ્રેસ પક્ષ અને વિપક્ષી ‘INDIA’ ગઠબંધનને ઘેરવા તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના સમર્થનમાં ભાજપ મોટા પાયે એક નરેટિવ ઊભો કરવાની યોજના બનાવી રહ્યું છે.
હૈદરાબાદમાં પત્રકારો સાથે વાતચીતમાં મલ્લુ રવિએ જણાવ્યું કે, "ભાજપ, NDA અને મોદી સરકાર રાહુલ ગાંધી, કોંગ્રેસ અને ‘INDIA’ ગઠબંધનના પક્ષોનો સામનો કરવા તથા સીઈસી જ્ઞાનેશ કુમાર અને એસઆઈઆર (SIR)ના બચાવમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. શક્ય છે કે આગામી થોડા સપ્તાહોમાં તેઓ આ મુદ્દે મોટા પાયે સામે આવે."
"સંસદમાં પીએમ અને ગૃહમંત્રી કેમ મૌન રહ્યા?"
કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે, "આખરે એવી કઈ ભૂલ થઈ ગઈ હતી કે જેના કારણે વડાપ્રધાન કે કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં આવીને જવાબ આપવાની હિંમત ન કરી? જો તેમની પાસે કોઈ નક્કર તથ્ય હોત, તો તેમણે સંસદમાં કે જાહેર સભાઓમાં તેની ચર્ચા કરી હોત, પરંતુ તેઓ ચૂપ રહ્યા."
હારની ભીતિથી નરેટિવ ઘડાયો હોવાનો આરોપ
કોંગ્રેસ સાંસદે વધુમાં આક્ષેપ કર્યો કે આગામી ચૂંટણીઓમાં પરાજયનો ભય સતાવી રહ્યો હોવાથી જ જનતાનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે સત્યનો આધાર નથી અને માત્ર રાજકીય લાભ ખાટવા માટે પાયાવિહોણી વાતો રજૂ કરવામાં આવી રહી છે.














