પાંચ વર્ષમાં બિહાર ઘૂસણખોરોથી મુક્ત થશે,ગેરકાયદેસર પ્રવૃતિઓનો પણ અંત આવશે: અમિત શાહ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્ણિયા પહોંચ્યા હતા. એક જનસભાને સંબોધતા અમિત શાહે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને RJDના તેજસ્વી યાદવ બિહારના સીમાંચલ વિસ્તારને ઘૂસણખોરોનો અડ્ડો બનાવવા પર તુલ્યા છે.
બિહારને ઘૂસણખોરોથી મુક્ત કરીશું-અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું,"...હું સીમાંચલ અને બિહારના લોકોને કહેવા માંગુ છું કે આગામી પાંચ વર્ષમાં અમે બિહારને ઘૂસણખોરોથી મુક્ત કરીશું. અમે તેમને ફક્ત બહાર કાઢીશું જ નહીં પરંતુ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પણ અંત લાવીશું અને તમામ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરીશું... બધા ઘૂસણખોરોનો ચોક્કસપણે દેશનિકાલ કરવામાં આવશે..."
બિહારમાં NDA 160 કરતા વધુ બેઠક જીતશે- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, કેન્દ્ર દરેક ગેરકાયદેસર પ્રવાસીની ઓળખ કરશે અને તેમના નામ મતદાર યાદીમાંથી હટાવશે અને તેમણે બહાર કાઢશે. પૂર્ણિયામાં જનસભાને સંબોધતા અમિત શાહે દાવો કર્યો કે NDA 243 સભ્યોની વિધાનસભામાં 160 કરતા વધારે બેઠક જીતીને બિહારમાં સરકાર બનાવશે.
6 નવેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતા અમિત શાહે દાવો કર્યો કે અડધા રાજ્યોએ કોંગ્રેસ-RJD ગઠબંધનને પહેલાથી જ બહારનો રસ્તો બતાવી દીધો છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બિહારના સીમાંચલને ઘૂસણખોરોનો અડ્ડો બનાવવા માંગે છે. અમે દરેક ગેરકાયદેસર પ્રવાસીની ઓળખ કરીશું અને તેમને મતદાર યાદીમાંથી હટાવી તેમના દેશ પરત મોકલીશું.
પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળાથી-અમિત શાહ
અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધી,મનમોહન સિંહ અને લાલુ યાદવની સરકાર દરમિયાન આતંકવાદી કાશ્મીરમાં ખુલ્લેઆમ ઘુસતા હતા અને હુમલો કરીને જતા રહેતા હતા. મોદીજીના કાર્યકાળમાં પણ જ્યારે તેમણે ઉરી પર હુમલો કર્યો તો અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી, જ્યારે તેમણે પુલવામા પર હુમલો કર્યો તો અમે એર સ્ટ્રાઇક કરી જવાબ આપ્યો અને જ્યારે તેમણે પહેલગામમાં આપણા તીર્થયાત્રીઓને માર્યા તો અમે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મોદીજીએ સુનિશ્ચિત કર્યું છે કે બિહારમાં એક સંરક્ષણ કોરિડોર બનાવવામાં આવશે અને હું તમને ખાતરી આપું છું કે જો ભવિષ્યમાં આતંકવાદીઓ કોઈ પણ કાર્યવાહી કરશે તો તેમની 'ગોળીઓ'નો જવાબ 'ગોળા'થી આપવામાં આવશે.








