'સુનંદા પુષ્કર મામલે 10 જનપથથી આવતા હતા ધમકીભર્યા ફોન', પૂર્વ IPL ચેરમન લલિત મોદીના મોટા ખુલાસા
IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ નેતા શશિ થરૂર પર સનસના

IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ નેતા શશિ થરૂર પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કર વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. લલિત મોદીએ કહ્યું કે, કોચ્ચી IPL ફ્રેન્ચાઇઝીના મામલે તેને ઘણી વખત ધમકાવીને દબાણ કરવામાં આવ્યું હતું. શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરને ટીમમાં 25 ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો, છતાં તેનો ફ્રેન્ચાઇઝી સાથે સીધો સંબંધ નહોતો.
ધમકીભર્યા કોલ અને સહી માટે દબાણ
ફેમસ યુટ્યુબર રાજ શમાના પોડકાસ્ટમાં લલિત મોદીએ કહ્યું, “મને કોચી ટીમના દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી. સુનંદા પુષ્કરનો ટીમ સાથે કોઈ સંબંધ નહોતો છતાં 25 ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો. હું તેના પર સહી કરવા બિલકુલ તૈયાર નહોતો. બીસીસીઆઈના તત્કાલિન પ્રમુખને સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.
લલિત મોદીએ દાવો કર્યો કે, જ્યારે તેને આ ડીલ મામલે સવાલ ઉઠાવી સહી કરવાની ના પાડી તો કોંગ્રેસ નેતા શશી થરૂરે ધમકાવ્યો હતો. ફોનમાં કહ્યું કે, જો તેં સાઈન ના કરી તો ઈડી રેડ, ઈન્કમટેક્સ તપાસ અને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.
બીસીસીઆઈ ચીફ શશાંક મનોહરનું પણ દબાણ
લલિત મોદીએ જણાવ્યું કે બીસીસીઆઈના તત્કાલીન અધ્યક્ષ શશાંક મનોહરે પણ આ મામલે તેમના પર દબાણ કર્યું હતું. તેમના પર આ ડીલ પૂરી કરવા 10 જનપથ પરથી ફોન આવ્યો હતો. લલિત મોદીના જણાવ્યા પ્રમાણે "મને કહેવામાં આવ્યું હતું કે, જો હું રાત સુધીમાં દસ્તાવેજો પર સહી નહીં કરું તો મને પદ પરથી હટાવી દેવામાં આવશે."
લલિત મોદીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં દબાણ બાદ દસ્તાવેજો પર સહી કરી તેના બીજા દિવસે પેપરોમાં સમાચાર હતા કે, શશિ થરૂર અને સુનંદા પુષ્કર લગ્ન કરવા જઈ રહ્યા છે. હું ચોંકી ગયો કે સુનંદા પુષ્કર અને શશિ થરૂર વચ્ચે આવો સંબંધ હશે.
આ ઈન્ટરવ્યુ બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા ગાંધી પરિવાર અને શશિ થરૂર પાસે જવાબ માંગ્યો છે. ભાજપના નેતાઓએ પૂછ્યું કે શું ખરેખર સોનિયા ગાંધીના ઘરેથી ધમકીભર્યા ફોન ગયા હતા. સુનંદા પુષ્કરને કોઈપણ રોકાણ વિના 25% હિસ્સો કેમ આપવામાં આવ્યો? લલિત મોદીના આ આરોપોએ ફરી એકવાર ક્રિકેટ અને રાજકારણ વચ્ચેના ઊંડા સંબંધો પર સવાલો ઉભા કર્યા છે.
લલિત મોદીના આ ઈન્ટરવ્યુ બાદ આ મામલે રાજકીય ગરમાવો વધે તેવી શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર વધુ જોર પકડશે. શશિ થરૂર અથવા ગાંધી પરિવાર તરફથી આ આરોપો મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.








