વિવાદાસ્પદ IAS પૂજા ખેડકર મામલે મોટો ખુલાસો, નકલી ઓળખ પત્રનો ઉપયોગ કરીને પરીક્ષા….
વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના

વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. વિવાદાસ્પદ IAS પૂજા ખેડકર મામલે મોટો ખુલાસો થયો છે. પૂજા ખેડકરે નકલી ઓળખ પત્રનો ઉપયોગ કરીને યુપીએસસીની પરીક્ષા આપી હતી. પરીક્ષાના નિયમો સાથે છેતરપિંડી કરીને પૂજા ખેડકરે લાભ મેળવ્યો હતો. જે મામલે UPSCએ પૂજા ખેડકર સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે અને IAS ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે.
UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે કામચલાઉ ભલામણ કરેલ ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરની ગેરવર્તણૂક અંગે વિગતવાર અને સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે તેનું નામ, તેના પિતા અને માતાનું નામ, તેનો ફોટોગ્રાફ/સહી, તેનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને તેની ઓળખ બદલીને પરીક્ષાના નિયમો હેઠળ માન્ય મર્યાદાઓથી વધુ છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા ખેડકર વિરુદ્ધ બનાવટી, છેતરપિંડી, આઈટી એક્ટ અને ડિસેબિલિટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ટ્રેઇની IAS પૂજા ખેડકરની ટ્રેનિંગ તાત્કાલિક અટકાવાઈ
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તહેનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેની તાલીમ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવી છે. તેમને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવ્યા છે. 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે.
પોલીસ પૂજાનું મેડિકલ સર્ટિફિકેટ ચેક કરશે
એક અધિકારીએ મંગળવારે કહ્યું કે પુણે પોલીસ પૂજા ખેડકર દ્વારા આપવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટની સત્યતાની તપાસ કરવામાં આવશે. 2023 બેચના અધિકારી ખેડકરે યુપીએસસીને અનેક મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા. આમાંનું એક સર્ટિફિકેટ વિકલાંગતાનું છે.
પૂજા ખેડકર ઉપર એવો આરોપ છે કે 34 વર્ષની પૂજા ખેડકરે નોકરી મેળવવા માટે અયોગ્ય ફાયદો ઉઠાવ્યો છે અને તેણે પોતાને વિકલાંગ અને અન્ય પછાત વર્ગની હોવાનું જણાવ્યું હતું. વિકલાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરના કાર્યાલયે આ પ્રમાણપત્રોની તપાસ કરવા માટે પુણે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે. પૂજા ખેડકર પર તેમની પોસ્ટિંગ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.
પૂજા ખેડકર કોણ છે?
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી છે. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી છે અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં દેશભરમાં 841 મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024 ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.
પૂજાના કામ પણ વિવાદાસ્પદ
પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી. ઓફિસ ન મળતાં એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઑફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઑફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બદલાવી દીધું હતું. એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. દેશના વડાપ્રધાનને સુદ્ધાં એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વગેરે આપાતકાલીન (ઇમરજન્સી) વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે. લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું. એ જ કાર ભૂતકાળમાં એકથી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ડંડાઈ ચૂકી છે.








