‘હપ્તો ભરો, પત્નીને લઈ જાઓ...’, 40 હજારની લોન ન ચૂકવતાં બેંક કર્મચારીઓ પત્નીને ઉઠાવી ગયા!
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં લોનની રકમ વસૂલવા માટે એક ખાનગી બેંકે બધી હદ વટાવી દીધી. લોનના હપ્તા

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં લોનની રકમ વસૂલવા માટે એક ખાનગી બેંકે બધી હદ વટાવી દીધી. લોનના હપ્તા ન ચૂકવવા બદલ બેંક કર્મચારીઓએ એક યુવકની પત્નીનું અપહરણ કર્યું અને કહ્યું કે, લોનનો હપતો ચુકવે અને પત્નીને લઈ જાય. બેંક કર્મચારીઓએ યુવકની પત્નીને લગભગ 5 કલાક સુધી બંધક બનાવી બેંકમાં બેસાડી રાખી હતી.
લોનનો હપતો ચૂકવો પછી જ પત્ની મળશે
આ ઘટના ઝાંસી જિલ્લાના બમરૌલી ગામના આઝાદ નગર વિસ્તારની પર્સનલ લોન આપતી બેંકનો છે. લોનનો હપતો ચુકવતા નથી એવું કહી રવિન્દ્ર સાથે સખ્તાઈ કરી હોવાની ફરિયાદ કરી છે. રવિન્દ્ર વર્માની પત્ની પૂજા વર્માને સોમવારે બપોરે 12 વાગ્યાથી બેંકની અંદર બળજબરીથી બેસાડી રાખવામાં આવી હતી. જ્યારે પતિ બેંક પહોંચ્યો ત્યારે તેને સ્પષ્ટ જવાબ મળ્યો - લોનનો હપતો ચૂકવો પછી જ તમને પત્ની મળશે. રવિન્દ્રએ કાકલૂદી કરી પરંતુ બેંક કર્મચારીઓએ સખ્તાઈ દાખવી. છેવટે હારેલા, થાકેલા યુવકે 112 નંબર પર ડાયલ કરી પોલીસને બોલાવી. બેંકમાં પોલીસ આવતાની સાથે જ બેંક કર્મચારીઓના ચહેરા નિસ્તેજ થઈ ગયા અને મહિલાને ઉતાવળમાં બહાર કાઢવામાં આવી.
પીડિત પતિએ પત્નીને છોડાવવાપોલીસની મદદ માંગી
લોનના હપ્તા ન ચૂકવવા બદલ એક ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંકે એક મહિલાને 5 કલાક સુધી બંધક બનાવી રાખી હતી. પતિને કહ્યું - હપ્તા ચૂકવો, પત્નીને લઈ જાઓ. પતિ રવિન્દ્રએ પોતાની પત્નીને બેંક કર્મચારીઓની ચુંગાલમાંથી છોડવવા પોલીસની મદદ લીધી. પોલીસ સ્થળ પર પહોંચી અને તેની પત્નીને બેંકમાંથી બહાર કાઢી.
દંપતીનો ચોંકાવનારો દાવો
પીડિત પૂજા વર્માનો આરોપ છે કે, તેના પતિએ બેંકમાંથી 40,000 રૂપિયાની લોન લીધી હતી, જેમાંથી તેમણે 11 હપ્તા જમા કરાવ્યા હતા, પરંતુ બેંક રેકોર્ડમાં ફક્ત 8 હપ્તા જ દેખાય છે. તેમનો આરોપ છે કે બેંક એજન્ટે તેમના પૈસા હડપ કરી લીધા હતા. બેંક કર્મચારીઓનું કહેવું છે કે, મહિલા અને તેનો પતિ છેલ્લા 7 મહિનાથી લોનના હપ્તા ચૂકવી રહ્યા ન હતા, તેથી તેમને બેંકમાં બોલાવવામાં આવ્યા હતા. મહિલાનું કોઈ અપહરણ કરાયું નથી. મહિલા જાતે જ બેંકમાં આવીને બેઠી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.






