અરજદારનું નામ ઈયર ફોન, પિતા મોબાઈલ અને માતા બેટરી, બિહારમાં અજીબોગરીબ રહેઠાણ પ્રમાણપત્ર
બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાર સુધારણા ચાલી રહી છે. આ દરમિયાન RTPS પોર્ટલ પર રહેઠાણ પ

બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાર સુધારણા ચાલી રહી છે. આ દરમિયાન RTPS પોર્ટલ પર રહેઠાણ પ્રમાણપત્ર માટે આશ્ચર્યજનક અરજીઓ આવી રહી છે. પટનાના મસૌરીમાં 'ડોગ બાબુ' ના નામે પ્રમાણપત્ર જારી થયાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં હવે મધેપુરા, નવાદા, સમસ્તીપુર અને મોતીહારીથી આવી જ અરજીઓ સામે આવી છે. કૂતરા, ટ્રેક્ટર, ફોન અને બાઇકના નામે થતી અરજીઓએ વહીવટી તંત્રની ગંભીરતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. મધેપુરાના આ કિસ્સાએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
બિહારના મધેપુરની મતદાર યાદી સુધારણા દરમિયાન એક અરજી વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી અરજી (નંબર BRCCO/2025/17866751) એ બધાને આશ્ચર્યચકિત કર્યા છે, આ અરજીમાં અરજદારનું નામ 'ઈયરફોન', પિતાનું નામ 'મોબાઇલ' અને માતાનું નામ 'બેટરી' છે. અરજીમાં પિન કોડ 852124, પોલીસ સ્ટેશન ઘૈલાડ, પોસ્ટ ઓફિસ શ્રીનગર, ગ્રામ પંચાયત/વોર્ડ 01, બ્લોક ઘૈલાડ અને જિલ્લો મધેપુરાનો ઉલ્લેખ છે. ૨૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી આ અરજીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
બિહારમાં આ પહેલી ઘટના નથી. અગાઉ પટનાના મસુરીમાં 'ડોગ બાબુ'ના નામે પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની ધરપકડ કરવામાં આવી હતી. નવાદામાં 'ડોગેશ બાબુ' અને મોતીહારીમાં 'સોનાલિકા ટ્રેક્ટર'ના નામે અરજીઓ સામે આવી હતી, જેમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો ફોટો પણ મૂકવામાં આવ્યો હતો. સમસ્તીપુરમાં 'પેશન પ્રો' નામની બાઇક માટે અરજી મળી હતી. આ કિસ્સાઓ વહીવટી બેદરકારી કે સાયબર મજાક તરફ ઈશારા કરે છે. પરંતુ જેણે આવેદન આપ્યું તેની નિયત અને ઈરાદાઓને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
બેદરકારી કે કાવતરું?
આ વિચિત્ર અરજીઓએ ઘણા સવાલો પેદા કર્યા છે. શું આ ફક્ત સિસ્ટમ સાથે મજાક છે કે સરકારની છબી ખરાબ કરવાનો પ્રયાસ? નિષ્ણાતો માને છે કે RTPS પોર્ટલ પર અરજી ચકાસણી પ્રક્રિયામાં ખામીઓ હોઈ શકે છે. ડિજિટલ સાઈન અને કર્મચારી ચકાસણીને અવગણવાથી આ કેસોને પ્રોત્સાહન મળી રહ્યું છે. વહીવટીતંત્રે કેટલાક કિસ્સાઓમાં FIR દાખલ કરી છે, પરંતુ મધેપુરા કેસ પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આવી અરજીઓએ RTPS પોર્ટલની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા. વહીવટીતંત્રે ચકાસણી પ્રક્રિયાને વધુ કડક બનાવવાની જરૂર છે. સાથે જ સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે જેથી આવા મજાક અથવા નકલી અરજીઓ રોકી શકાય. હાલમાં મધેપુરાનો 'એરફોન' કેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.








