બાબા સિદ્દીકી હત્યાકાંડ: એક આરોપી 7 દિવસના રિમાન્ડ પર, બીજાની ઉંમર અંગે સસ્પેન્સ
Baba Siddique Murder case: અજિત પવાર જૂથ અને NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આ

Baba Siddique Murder case: અજિત પવાર જૂથ અને NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાબા સિદ્દીકીના હત્યારાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, કોર્ટે એક આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બાબા સિદ્દીકી હત્યા કેસના બે આરોપીઓમાંથી એકને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. સગીર હોવાનો દાવો કરી રહેલા બીજા આરોપીના મેડિકલ ટેસ્ટનો આદેશ આપવામાં આવ્યો છે.
બાબા સિદ્દીકી પર કુલ ત્રણ લોકોએ ફાયરિંગ કર્યું હતું. હાલ એક આરોપી ફરાર છે. બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે ચોથા આરોપીની પણ ઓળખ કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધ્યા બાદ આ આરોપીઓના નામ સામે આવ્યા છે. પહેલા આરોપીનું નામ ગુરમેલ બલજીત સિંહ છે. જેની ઉંમર માત્ર 23 વર્ષની છે. તે હરિયાણાનો વતની છે. બીજા આરોપીનું નામ ધર્મરાજ કશ્યપ છે. જેની ઉંમર માત્ર 19 વર્ષની છે.
અજિત પવાર જૂથના NCPના નેતા બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીને ગોળી મારનારા 2 આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ત્રીજા શૂટરની પણ ઓળખ થઇ છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઇ ગેંગે સ્વીકારી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોરેન્સ બિશ્નોઇએ આ જવાબદારી સ્વીકારી હતી. મુંબઇ પોલીસ લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરી શકે છે.
3 લાખમાં આપવામાં આવી હતી સોપારી
મુંબઇ પોલીસની તપાસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો શક સામે આવ્યો છે. બાબા સિદ્દીકીની સોપારી 2.5થી 3 લાખ રૂપિયામાં આપવામાં આવી હતી. હત્યા માટે ચાર લોકોને કામ પર રાખવામાં આવ્યા હતા અને તેમને પૈસાને બરાબર વહેંચવાની યોજના બનાવી હતી જેમાં દરેકને 50,000 રૂપિયા મળવાના હતા. ચારેય આરોપીમાંથી ત્રણ આરોપી પહેલા પંજાબની જેલમાં એક સાથે બંધ હતા, જ્યા તેમનો સંપર્ક બિશ્નોઇ ગેંગના એક સભ્ય સાથે થયો હતો અને તેમના દ્વારા જ તે બિશ્નોઇ ગેંગમાં સામેલ થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. પોલીસના સુત્રો અનુસાર આ વર્ષે બે સપ્ટેમ્બરે ત્રણેય આરોપી કુર્લામાં ભાડાના મકાનમાં રહેતા હતા.
બિશ્નોઇ ગેંગને કોણ સંભાળે છે
ગોલ્ડી બરાર કેનેડા, પંજાબ અને દિલ્હીની ગેન્ગ સંભાળે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અમેરિકામાં ગેન્ગ રોહિત ગોદારા જોવે છે. પોર્ટુગલ, અમેરિકા, દિલ્હી NCR, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળની કમાન અનમોલ બિશ્નોઇ પાસે છે. કાલા જઠેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેન્ગ સંભાળે છે. ગેન્ગની રિપોર્ટ સીધી અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને આપવામાં આવે છે.
બિશ્નોઇ ગેંગ પાસે ક્યાથી આવે છે હથિયાર
ગેન્ગ પાસે હથિયાર મધ્ય પ્રદેશના માલવા, યુપીના મેરઠ, મુજફ્ફરનગર, અલીગઢ અને બિહારના મુંગેર, ખગડિયાથી આવે છે. આ સિવાય પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા પંજાબના જિલ્લામાંથી પણ ગેન્ગ પાસે હથિયાર પહોંચે છે. આ સિવાય પાકિસ્તાન, અમેરિકા, રશિયા, કેનેડા અને નેપાળમાંથી પણ ગેન્ગ પાસે હથિયાર આવે છે.
બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા
બાબા સિદ્દીકી બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. BMCમાં પહેલીવાર કોર્પોરેટર ચૂંટાયા. તેઓ વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા વેસ્ટમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.








