NDAના નેતા બન્યા બાદ ફરી જૂના અંદાજમાં જોવા મળ્યા PM મોદી, EVM મુદ્દે કર્યો વિપક્ષ પર પ્રહાર
નરેન્દ્ર મોદીને શુક્રવારે સંસદના સેન્ટ્રલ હોલમાં સર્વસંમતિથી નેશન

નરેન્દ્ર મોદીને શુક્રવારે સંસદના સેન્ટ્રલ હોલમાં સર્વસંમતિથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાણીતી શૈલીમાં સભાને સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષમાં મહાગઠબંધનની સફળતાઓ અને ઉપલબ્ધિઓ વિશે જ વાત નથી કરી પરંતુ વિપક્ષ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે 4 જૂને ચૂંટણી પરિણામ આવી રહ્યા હતા ત્યારે હું કામમાં વ્યસ્ત હતો. મને ફોન કોલ આવવા લાગ્યા. મેં કોઈને પૂછ્યું કે, આંકડા તો ઠીક છે પણ મને કહો કે EVM જિંદા છે કે મરી ગયું. કારણ કે આ લોકો (વિરોધી) ભારતની લોકશાહી અને દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાંથી વિશ્વાસ ગુમાવવા મક્કમ હતા અને તેઓ સતત EVMનો દુરુપયોગ કરી રહ્યા હતા.
EVMના મુદ્દે વિપક્ષ પર કર્યા પ્રહારો
તેમણે કહ્યું કે, મને તો લાગી રહ્યું હતું કે આ વખતે ઈવીએમની અર્થી સાથે સરઘસ કાઢવામાં આવશે. પરંતુ 4 જૂનની સાંજ સુધીમાં તેઓ તાળાં મારી ગયા હતા. EVMએ તેમને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે. હું આશા રાખું છું કે, આગામી પાંચ વર્ષ સુધી હવે ઈવીએમના નામે રોદણાં નહીં રોવે. પરંતુ જ્યારે આપણે 2029માં ચૂંટણીમાં જઈશું, ત્યારે કદાચ તેઓ ફરીથી EVMના રોદણાં રોવાં લાગશે. દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મોદીએ કહ્યું કે, હું જોઈ રહ્યો છું કે INDI લોકો પહેલા ડૂબી રહ્યા હતા, પરંતુ હવે તેઓ ઝડપથી ઉંડાણમાં જઈ રહ્યા છે. મિત્રો, INDI એલાયન્સ દેશના સામાન્ય નાગરિકોને સમજતા નથી. ચાર તારીખ પછી તેમનું જેવું વર્તન રહ્યું છે, હું આશા રાખું છું કે તેમની અંદર એ સંસ્કાર વિકસે. આ એ લોકો છે જેઓ પોતાની જ પાર્ટીના પીએમનું અપમાન કરતા હતા. તેમના નિર્ણયો નકારી દેતા હતા. વિદેશી મહેમાન આવી જાય તો ખુરશી ન હતી.
અમને વિજય પચાવતા આવડે છે
આ દરમિયાન મોદીએ પોતાની જાણીતી શૈલીમાં પવન કલ્યાણના વખાણ કરતા કહ્યું કે, આ પવન નથી, આ વાવાઝોડું છે. તેમણે કહ્યું કે, એનડીએ સરકારમાં અમે આગામી 10 વર્ષમાં સુશાસન, વિકાસ અને સામાન્ય માનવજીવનમાં સરકારની શક્ય એટલી હસ્તક્ષેપ ઘટાડવાનો પ્રયાસ કરીશું. એ જ લોકશાહીની તાકાત છે. આજના ટેક્નોલોજીના યુગમાં આપણે પરિવર્તન ઈચ્છીએ છીએ. વિકાસનો નવો અધ્યાય લખીશું. ગુડ ગવર્નેન્સ પર એક અધ્યાય લખીશું. જનતાના વિકાસનો નવો અધ્યાય લખીશું અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીને રહીશું.
તેમણે કહ્યું કે, અમે ન તો હાર્યા હતા અને ન તો હાર્યા છીએ. ચાર તારીખ પછીનું અમારું વર્તન બતાવે છે કે અમે જીતને પચાવતા જાણીએ છીએ. જીત સમયે કોઈ ઉન્માદ નથી. અમે હારની મજાક પણ નથી કરતા. આ અમારા સંસ્કાર છે. દસ વર્ષ પછી પણ કોંગ્રેસ 100ના આંકડાને સ્પર્શી શકી નથી. જો 2014, 2019 અને 2024ની ચૂંટણીઓને જોડીએ તો આ ત્રણેય ચૂંટણીમાં જેટલી બેઠકો મળી છે તેના કરતા વધુ બેઠકો અમને આ ચૂંટણીમાં મળી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ત્રીજી વખત NDA સરકાર બનવા જઈ રહી છે. એનડીએને 293 બેઠકો મળી છે. ભાજપને 240, ટીડીપીને 16, જેડીયુને 12, શિવસેનાને 7, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 5 બેઠકો મળી છે. જેડીએસ, આરએલડી, જેએસપીને બે-બે બેઠકો મળી છે. અપના દળ (S), AGP, AJSUP, HAM(S), NCP, SKM, UPPL ને એક-એક સીટ મળી છે. વિપક્ષ ઈન્ડિયા બ્લોકને 234 બેઠકો મળી છે. 543 બેઠકોના ગૃહમાં બહુમતી માટે 272 સભ્યો હોવા જરૂરી છે.






