ભારતના વધુ એક જહાજે હોર્મુઝ પાર કર્યું, હવે માત્ર 'જગ વિક્રમ' બાકી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતીય ન

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ ભારતીય જહાજોની ઘરવાપસી તેજ બની છે. રવિવારે LPG કેરિયર 'ગ્રીન આશા' એ ખતરનાક ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સફળતાપૂર્વક પાર કરી લીધું છે.
46655 મેટ્રિક ટન LPG લઈને પરત ફરતી ગ્રીન સાનવી 7 એપ્રિલે ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ પહોંચવાની ધારણા છે. દરમિયાન, LPG કેરિયર BW TYR હાલમાં મુંબઈમાં છે અને શહેરની બાહ્ય એન્કરેજ મર્યાદા પર 'શિપ-ટુ-શિપ' ટ્રાન્સફર ઓપરેશન દ્વારા તેનો કાર્ગો ઉતારી રહી છે. અન્ય એક જહાજ, BW ELM, 4 એપ્રિલે ચેન્નાઈના એન્નોર તરફ વાળવામાં આવ્યું હતું.
ગયા અઠવાડિયે, 47612 મેટ્રિક ટન LPG લઈને જગ વસંત ગુજરાતના કચ્છના કંડલા પહોંચ્યું, જ્યારે પાઈન ગેસ 45000 મેટ્રિક ટન LPG ન્યૂ મેંગલોર પહોંચાડ્યું.
જહાજોની લેટેસ્ટ સ્થિતિ
-
ગ્રીન આશા: હોર્મુઝ પાર કરી હવે ભારત તરફ રવાના થયું છે.
-
ગ્રીન સાન્વી: 46,655 મેટ્રિક ટન LPG સાથે આ જહાજ 7 એપ્રિલ સુધીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ બંદર પર પહોંચે તેવી શક્યતા છે.
-
જગ વિક્રમ: આ એકમાત્ર LPG જહાજ હજુ પણ તે વિસ્તારમાં ફસાયેલું છે. તે ભારતીય નૌસેનાના આગળના નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.
ભારતીય નાવિકોની સુરક્ષા
શિપિંગ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ખાડી વિસ્તારમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલમાં સમગ્ર ખાડી વિસ્તારમાં લગભગ 20,000 ભારતીય નાવિકો હાજર છે. જેમાંથી 528 નાવિકો ભારતીય ધ્વજ ધરાવતા જહાજો પર સવાર છે. અત્યાર સુધીમાં વિવિધ શિપિંગ કંપનીઓએ 1,479 નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
વ્યૂહાત્મક હાજરી
ડાયરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગના આંકડા મુજબ ભારતની દરિયાઈ હાજરી નીચે મુજબ છે:
-
પર્શિયન ખાડી (હોર્મુઝની પશ્ચિમે): 16 ભારતીય જહાજો (જેમાં 5 શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના છે).
-
ઓમાનની ખાડી (હોર્મુઝની પૂર્વે): 4 જહાજો.
-
લાલ સમુદ્ર (Red Sea): 2 જહાજો.
ભારત તેની રાજદ્વારી વગ અને નૌસેનાની શક્તિનો ઉપયોગ કરીને ઉર્જા પુરવઠો જાળવી રાખવા માટે સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. હવે સૌની નજર 'જગ વિક્રમ' ની સુરક્ષિત વાપસી પર છે.







