શાળામાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર ચેઇનસોથી જીવલેણ હુમલો કરનાર આરોપી પર પોલીસનું ફાયરિંગ, જંગલમાંથી ઝડપાયો

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શાળામાં ચેઇનસો (Chainsaw) (ચેઇનસો એટલે મશીનથી ચાલતી કરવત) વડે જીવલેણ હુમલો કરનાર 21 વર્ષીય આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે છરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં આરોપી ઘાયલ થયો હતો. પોલીસે તેને સારવાર માટે અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીની બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે હાલ વેન્ટિલેટર (Ventilator) સપોર્ટ પર છે.
15 પોલીસ ટીમોએ જંગલમાં ચલાવ્યું સર્ચ ઓપરેશન
પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની પર હુમલો કર્યા બાદ આરોપી હેમંત ફરાર થઈ ગયો હતો. તે રાપ્તાડુ નજીકના આત્માકુરના જંગલ વિસ્તારમાં છુપાયો હોવાની માહિતી મળી હતી. આરોપીએ પોતાનો મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો, જેથી પોલીસને તેનું લોકેશન શોધવામાં મુશ્કેલી પડી રહી હતી.
આરોપીને પકડવા માટે પોલીસે 15 અલગ-અલગ ટીમો બનાવીને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું હતું. લાંબી શોધખોળ બાદ પોલીસને આરોપી મળી આવ્યો હતો. જોકે, પોલીસ તેને પકડવા પહોંચી ત્યારે તેણે સુરક્ષાકર્મીઓ પર છરી વડે હુમલો કર્યો હતો.
પોલીસ પર હુમલો કરતાં છ રાઉન્ડ ફાયરિંગ
અનંતપુરના પોલીસ અધિક્ષક (SP) જગદીશે જણાવ્યું હતું કે, આરોપી પોલીસને મળ્યો ત્યારે નશાની હાલતમાં હોવાનું કહેવાય છે અને તેની પાસે છરી પણ હતી. પોલીસે તેને શાંતિથી પકડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેને ચેતવણી આપવામાં આવી હતી અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પરંતુ આરોપીએ પોલીસની ચેતવણીને અવગણીને એક પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કર્યો હતો, જેમાં અધિકારીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ પોલીસે સ્વબચાવમાં જવાબી ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ચેતવણીના ગોળીઓ સહિત કુલ છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીના શરીરના નીચેના ભાગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક અનંતપુરની સરકારી જનરલ હોસ્પિટલ (GGH)માં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
વિદ્યાર્થિનીની હાલત ગંભીર, 11 કલાક સુધી સર્જરી ચાલી
બીજી તરફ, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી ધોરણ 10ની વિદ્યાર્થિનીને વધુ સારવાર માટે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતી વખતે તેની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેના ચહેરા પરથી સતત લોહી વહી રહ્યું હતું.
ડોક્ટરોએ તાત્કાલિક તેને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ સારવાર શરૂ કરી હતી. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમે લગભગ 11 કલાક સુધી જટિલ સર્જરી (Surgery) કરી હતી. સર્જરી દરમિયાન લોહી વહેવાનું નિયંત્રણ કરવામાં સફળતા મળતાં તેનું બ્લડ પ્રેશર સ્થિર થયું હતું અને લોહી ચઢાવવાની જરૂરિયાતમાં પણ ઘટાડો થયો હતો.
હાલ વિદ્યાર્થિનીને હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU)માં રાખવામાં આવી છે. તેની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા નોંધાયા હોવા છતાં તે હજુ વેન્ટિલેટર સપોર્ટ પર છે.
મંત્રી એન. લોકેશે પરિવારને આપી મદદની ખાતરી
આંધ્રપ્રદેશના મંત્રી એન. લોકેશે રવિવારે હોસ્પિટલમાં જઈ વિદ્યાર્થિનીના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારને સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને તેઓ વ્યક્તિગત રીતે પરિવારની સાથે ઊભા રહેશે. આ ગંભીર હુમલો કરનાર આરોપીને કડકમાં કડક સજા અપાવવાની પણ તેમણે ખાતરી આપી હતી.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર આટલો ગંભીર હુમલો કેવી રીતે થયો અને તેની પાછળનું કારણ શું હતું, તે અંગે તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવી શકે છે.













