દક્ષિણ ભારતમાં વાવાઝોડાનો ખતરો! સ્કૂલો બંધ, 120ની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

દક્ષિણ ભારતમાં વાવાઝોડાનો ખતરો! સ્કૂલો બંધ, 120ની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘મુરાસુ’ વધુ મજબૂત બનતાં આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ચિંતા વધી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. વાવાઝોડું 2 નવેમ્બરની મોડી રાતથી 3 નવેમ્બરની વહેલી સવાર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જોખમને ધ્યાનમાં રાખીને ચેન્નાઈમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

ઓંગોલ નજીક દરિયાકાંઠે ટકરાવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા છ કલાક દરમિયાન વાવાઝોડું લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હતું. આગાહી પ્રમાણે, તે સોમવાર રાત્રે 11:30 વાગ્યાથી મંગળવાર સવારે 4 વાગ્યા વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે.

જાહેરાત

આ વાવાઝોડું ઓંગોલ નજીક નેલ્લોર અને નરસાપુર વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થવાની શક્યતા છે. તે સમયે પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા છે, જ્યારે તીવ્ર ઝાપટાં દરમિયાન પવન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

સોમવારે મોડી રાત્રે વાવાઝોડાનું કેન્દ્ર ચેન્નાઈથી લગભગ 260 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં હોવાનું જણાવાયું હતું.

આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ

મુરાસુ વાવાઝોડાની અસરને પગલે 2 અને 3 નવેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તથા રાયલસીમામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.

ઉત્તર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક જનજીવન ખોરવાવાની આશંકા છે.

ચેન્નાઈમાં શાળાઓ બંધ, માછીમારોને ચેતવણી

વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ચેન્નાઈમાં સોમવાર માટે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસનને સાવચેતીનાં પગલાં લેવા અને રાહત-બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

તોફાની પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળીના થાંભલા અને તારને નુકસાન પહોંચવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું જોખમ છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત