દક્ષિણ આફ્રિકાનો નવો વર્લ્ડ રેકોર્ડ: 696 ડબ્બા સાથે 7.6 કિમી લાંબી દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવી

દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાએ પોતાના નામે કર્યો છે. સામાન્ય રીતે માલગાડીની લંબાઈ એકથી દોઢ કિલોમીટર જેટલી હોય છે, પરંતુ દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડાવીને સૌને ચોંકાવી દીધા છે. આ માલગાડીમાં કુલ 696 ડબ્બા જોડવામાં આવ્યા હતા. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
માલગાડીને ખેંચવા માટે અનેક એન્જિન જોડાયાં
7.6 કિલોમીટર લાંબી માલગાડીને દોડાવવી સરળ નહોતી. આટલી લાંબી ટ્રેનને ખેંચવા માટે તેની વચ્ચે અનેક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યાં હતાં. આ વ્યવસ્થા દ્વારા ટ્રેનને લાંબા અંતર સુધી લઈ જવાની ક્ષમતા ચકાસવામાં આવી હતી.બે દિવસમાં 860 કિલોમીટરનું અંતર કાપ્યું
અહેવાલ મુજબ, આ માલગાડીએ દરિયાકાંઠે આવેલા સલદાન્હા બે (Saldanha Bay)થી લોખંડની ખાણ સુધીની સફર પૂરી કરી હતી. ખાલી ડબ્બા સાથેની આ ટ્રેને 860 કિલોમીટરનું અંતર કાપવામાં બે દિવસનો સમય લીધો હતો. આટલી લાંબી માલગાડીને એકસાથે ચલાવવી અને લાંબા અંતર સુધી લઈ જવી એ રેલવેની પરિવહન ક્ષમતાની મહત્ત્વપૂર્ણ કસોટી હતી.
ટ્રાન્સનેટે 17 ઑક્ટોબરે કર્યું હતું ટ્રાયલ
દક્ષિણ આફ્રિકાની સરકારી પરિવહન કંપની ટ્રાન્સનેટે 17 ઑક્ટોબરે આ માલગાડી દોડાવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, આ એક પરીક્ષણ હતું, જે સફળ રહ્યું હતું. ભારે માલસામાનને એકસાથે લાંબા અંતર સુધી પહોંચાડવા માટે રેલવે કેટલી સક્ષમ છે, તે ચકાસવાનો આ પરીક્ષણનો મુખ્ય હેતુ હતો.
ઑસ્ટ્રેલિયાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
આ પહેલાં દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના નામે હતો. વર્ષ 2001માં ઑસ્ટ્રેલિયાએ 7.24 કિલોમીટર લાંબી માલગાડી દોડાવી હતી. હવે દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડાવીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. 696 ડબ્બા અને અનેક એન્જિન સાથે દોડેલી આ માલગાડીએ રેલવે પરિવહનના ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ સફળ પરીક્ષણથી ભારે માલસામાનના પરિવહન માટે લાંબી માલગાડીઓની ક્ષમતા ચકાસવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે.










