UAE જતાં ભારતીયો સાવધાન; મેડિકલ ઇન્સ્યોરન્સ અંગે દૂતાવાસે જાહેર કરી નવી માર્ગદર્શિકા

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રોજગાર કે પરિવાર સાથે રહેતાં તેમજ ત્યાની મુલાકાતે (ટૂરિસ્ટ વિઝા પર) જતાં ભારતીય નાગરિકો માટે યુએઈ સ્થિત ભારતીય મિશનો દ્વારા એક અત્યંત મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અબુ ધાબીમાં આવેલી ભારતીય એમ્બેસી અને દુબઇ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા જણાવાયું છે કે, યુએઈ પ્રવાસે જતાં અથવા ત્યાં રહેતાં દરેક ભારતીય પાસે પૂરતું મેડિકલ ઇન્સ્યોરન્સ કવરેજ હોવું અનિવાર્ય છે. આ સલાહ એટલા માટે આપવામાં આવી છે કારણ કે તાજેતરમાં એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં ભારતીય નાગરિકોને અચાનક બીમારી કે તબીબી કટોકટી વખતે હોસ્પિટલોના ભારેખમ બિલ ચૂકવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
પર્યાપ્ત મેડિકલ અને મેડિકલ રિપેટ્રિએશન ઇન્સ્યોરન્સ લેવાની અપીલ
એડવાઇઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુએઈ જતાં પહેલાં જ યાત્રીઓએ એવો વિમો લેવો જોઈએ જેમાં કેશલેસ સુવિધા તેમજ ઈમરજન્સીના કિસ્સામાં દર્દીને ભારત પાછા લાવવાનો (મેડિકલ રિપેટ્રિએશન) ખર્ચ પણ આવરી લેવાયો હોય. જે ભારતીયો પહેલેથી જ એમ્પ્લોયમેન્ટ વિઝા કે ડિપેન્ડન્ટ વિઝા પર યુએઈમાં વસવાટ કરી રહ્યા છે, તેમણે પણ પોતપોતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ચકાસી લેવાની સલાહ આપવામાં આવી છે, જેથી તબીબી સારવાર અને જરૂર પડે તો ભારત પરત લાવવાના તમામ ખર્ચ સામે પૂરતું રક્ષણ મળી રહે.નકશા જુઓ
નાગરિકોની સુરક્ષા માટે ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ
ભારત અને યુએઈ બંને દેશો એકબીજાના ક્ષેત્રમાં રહેતા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સતત કટિબદ્ધ રહ્યા છે. જુલાઈ મહિનામાં નવી દિલ્હી ખાતે આયોજિત 7મી ભારત-યુએઈ કન્સ્યુલર બેઠકમાં આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારત તરફથી શ્રીપ્રિયા રંગનાથન અને યુએઈ તરફથી ઓમર ઓબૈદ અલહેસન અલશામ્સીના અધ્યક્ષપદે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિઝા, શ્રમિકોના પ્રશ્નો, લોકોની અવરજવર અને કાનૂની મદદ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પરસ્પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી.








