Bihar: દુલારચંદ યાદવ હત્યા કેસમાં અનંત સિંહ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં
બિહારમાં છોટે સરકાર તરીકે જાણીતા અને મોકામાના પૂર્વ ધારાસભ્ય, તેમજ જેડીયુ (JDU)ના ઉમ

બિહારમાં છોટે સરકાર તરીકે જાણીતા અને મોકામાના પૂર્વ ધારાસભ્ય, તેમજ જેડીયુ (JDU)ના ઉમેદવાર અનંત સિંહની મુશ્કેલીઓ વધી છે. દુલારચંદ યાદવ હત્યા કેસમાં મોકામાના ભૂતપૂર્વ ધારાસભ્ય અનંત સિંહને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
અગાઉ, અનંત સિંહ અને અન્ય આરોપીઓની DIU સેલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમને પટના સિવિલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીના સમર્થક દુલાર ચંદની 30 ઓક્ટોબરના રોજ હત્યા કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
મૃતક દુલારચંદ યાદવના પૌત્ર નીરજ કુમાર દ્વારા દાખલ કરાયેલી FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘટના 30મી ઓક્ટોબરના રોજ બની હતી. દુલારચંદ અને તેમના સાથીઓ મોકામાના બસવન ચોક પાસે જન સૂરજ પાર્ટીના ઉમેદવાર પ્રિયદર્શી પીયૂષના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન અનંત સિંહ પોતાના સમર્થકો સાથે વાહનોમાં આવ્યા અને દુલારચંદ યાદવ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. જ્યારે દુલારચંદ યાદવે વિરોધ કર્યો, ત્યારે રાજવીર સિંહ અને કરમવીર સિંહ (બંને નદવાન ગામના રહેવાસીઓ)એ તેને બળજબરીથી વાહનમાંથી બહાર કાઢ્યા.
FIR મુજબ, ત્યારબાદ અનંત સિંહે પોતાના કમરબંધમાંથી પિસ્તોલ કાઢીને દુલારચંદને ગોળી મારી, જે તેમના ડાબા પગમાં વાગી હતી. દુલારચંદ જમીન પર પડતાં જ છોટન સિંહ અને સંજય સિંહે તેના પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. અંતે અનંત સિંહના સમર્થકોએ દુલારચંદ યાદવ પર કાર ચઢાવી દીધી હતી. પોલીસે આ કેસમાં આઇપીસીની કલમ 103 (હત્યા) અને 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો છે.
મૃતકનો પણ ગુનાહિત ઇતિહાસ
પટણાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મૃતક દુલારચંદ યાદવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ 31મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે મૃતક દુલારચંદ યાદવનો પણ ગુનાહિત ઇતિહાસ હતો અને તેના પર હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.








