દેશભરના બોર્ડના પરિણામનું એનાલિસિસ: 2023માં ધો.10-12માં 65 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા
2023માં સમગ્ર દેશમાં 65 લાખ વિદ્યાર્થીઓ ધો. 10 અને ધો. 12 ન

2023માં સમગ્ર દેશમાં 65 લાખ વિદ્યાર્થીઓ ધો. 10 અને ધો. 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યા ન હતાં તેમ શિક્ષણ મંત્રાલયના સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડની સરખામણીમાં રાજ્ય બોર્ડમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી.
ત્રણ નેશનલ બોર્ડ અને 56 રાજ્ય બોર્ડ એમ કુલ 59 બોર્ડના પરિણામના પૃથ્કકરણમાં જાણવા મળ્યું છે કે સરકાર સંચાલિત શાળાઓમાંથી ધોરણ 12 માં ઉપસ્થિત થનાર છોકરીઓની સંખ્યા વધારે હતી. જ્યારે ખાનગી શાળાઓ અને સરકારી ગ્રાન્ટ મેળવનારી શાળાઓમાં છોકરાઓની સંખ્યા વધારે હતી.
શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ધો. 10ના 33.5 લાખ વિદ્યાર્થીઓ આગળના વર્ગમાં જઇ શક્યા નથી. તે પૈકી 5.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી અને 28 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
આ કારણે જ હાયર સેકન્ડરી લેવલે ગ્રોસ એન્રોલમેન્ટ રેશન (જીઇઆર)માં ઘટાડો જોવા મળ્યો છે. તેવી જ રીતે ધો. 12 ના 32.4 લાખ વિદ્યાર્થીઓ ધો. 12 પૂર્ણ કરી શક્યા નથી. જે પૈકી 5.2 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી જ્યારે 27.2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા હતાં.
સેન્ટ્રલ બોર્ડમાં ધો. 10 માં 6 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતાં. જ્યારે રાજ્ય બોર્ડમાં ધો. 10 માં નાપાસ થનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ 16 ટકા હતું.
સેન્ટ્રલ બોર્ડમાં ધો. 12 માં 12 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતાં. જ્યારે રાજ્ય બોર્ડમાં ધો.12 માં નાપાસ થનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ 18 ટકા હતું.
મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર ધો. 10 અને ધો. 12 બંનેમાં ઓપન સ્કૂલોનો દેખાવ નબળો રહ્યો છે. ધો. 10 માં સૌથી વધારે નાપાસ મધ્ય પ્રદેશમાં થયા છે. ત્યારબાદ બિહાર અને ઉત્તર પ્રદેશનો ક્રમ આવે છે.
ધો.12 માં સૌથી વધારે નાપાસ ઉત્તર પ્રદેશમાં થયા છે. ત્યારબાદ મધ્ય પ્રદેશ બીજા ક્રમે છે. 2023માં વિદ્યાર્થીઓનું પરિણામ અગાઉના વર્ષો કરતા ઓછું આવ્યું છે. સરકારી શાળાઓમાંથી ધો. 10 અને ધો.12ની પરીક્ષા આપનારાઓમાં છોકરાઓ કરતા છોકરીઓનું પ્રમાણ વધારે છે.








