મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અમરનાથ યાત્રા પૂર્ણ થતાં જ જમ્મુ કાશ્મીરમાં થઈ શકે છે ચૂંટણી, અમિત શાહે ભાજપ નેતાઓને આપ્યા આ આદેશ 

જમ્મુ કાશ્મીરમાં કલમ 30ની સમાપ્તિ પછીથી લોકો વિધાનસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. આ સ

અમરનાથ યાત્રા પૂર્ણ થતાં જ જમ્મુ કાશ્મીરમાં થઈ શકે છે ચૂંટણી, અમિત શાહે ભાજપ નેતાઓને આપ્યા આ આદેશ 

જમ્મુ કાશ્મીરમાં કલમ 30ની સમાપ્તિ પછીથી લોકો વિધાનસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ નવી સરકારની રાહ પણ સમાપ્ત થઈ જશે. મળતા સમાચાર મુજબ અમરનાથ યાત્રા 19 ઓગસ્ટે સમાપ્ત થઈ રહી છે. આ પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપના નેતાઓને ચૂંટણીની તૈયારી આરંભી દેવા સૂચના આપી દીધી છે. 

ગુરુવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ જમ્મુ-કાશ્મીર ભાજપના ઘણાં નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીને લઈને બેઠક કરી હતી. તેમણે પ્રાદેશિક નેતાઓને કહ્યું કે, ભાજપ રાજ્યની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડશે.

જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પહેલા નવેમ્બર 2018માં વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું.

ભાજપ નેતૃત્વએ રાજ્યના નેતાઓને એમ પણ કહ્યું છે કે, ભાજપ રાજ્યમાં કોઈપણ પક્ષ સાથે ચૂંટણી પહેલા ગઠબંધન કરશે નહીં. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલીક બેઠકો માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ચૂંટણી સમજૂતિ થઈ શકે છે. આ ઉપરાંત પાર્ટી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના કોઈ ઉમેદવારને જાહેર કરશે નહીં.

આગામી દિવસોમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા છે. પાર્ટી રાજ્યમાં લોકો સાથે જનસંપર્ક કાર્યક્રમ પણ શરૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ રાજ્યના નેતૃત્વ અને સંગઠનમાં હાલ કોઈ ફેરફાર કરશે નહીં. જણાવી દઈએ કે, હાલમાં રવિન્દર રૈના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.

અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મોડી રાત્રે લગભગ 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના, જમ્મુ-કાશ્મીરના બીજેપી સાંસદ જિતેન્દ્ર સિંહ અને જુગલ કિશોર શર્મા ઉપરાંત અન્ય ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. સૂત્રોએ એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ સમાચાર શેર કરો