યુપી બાદ આ રાજ્યોમાં ચૂંટણીના મેદાનમાં ઉતરશે ચંદ્રશેખર, કોંગ્રેસ, ભાજપ અને બસપાનું ટેન્શન વધ્યું
પશ્ચિમ યુપીની નગિના લોકસભાથી સાંસદ બનીને લોકસભામાં એન્ટ્રી કરનારા ચંદ્રશેખર આઝાદ હવે ઉ

પશ્ચિમ યુપીની નગિના લોકસભાથી સાંસદ બનીને લોકસભામાં એન્ટ્રી કરનારા ચંદ્રશેખર આઝાદ હવે ઉત્તરાખંડના રાજકારણમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે. મંગલૌર વિધાનસભા પેટા ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારીને ભાજપ, કોંગ્રેસ અને બસપા સામે બાહો ભીડાવશે. 7 રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. એમાં ઉત્તરાખંડની બદ્રીનાથ, અને મંગલૌર વિધાનસભા પણ સામેલ છે.
પૂરી તાકાતથી પેટાચૂંટણી લડવાની તૈયારી
મંગલૌર વિધાનસભા પેટાચૂંટણી લડવા માટે આઝાદ સમાજ પાર્ટી પાસે 11થી વધુ આવેદનો આવ્યા હતા. જેમાંથી ત્રણ નામ સિલેક્ટ કરાયા છે. અને હવે તેમાંથી એક નામ પર ફાઈનલ મહોર મારવામાં આવશે. આ નામની જાહેરાત બે દિવસમાં ગમે ત્યારે શક્ય છે. પાર્ટી હાઈકમાન્ડે મંગલૌર વિધાનસભા પેટાચૂંટણી પૂરી તાકાત સાથે લડવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ,ભાજપ અને બસપાને ટક્કર આપવા મોટી રણનીતિ સાથે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે.
બસપાને સીટ જાળવી રાખવાનો પડકાર
હરિદ્વાર લોકસભા હેઠળ આવતી મંગલૌર વિધાનસભા બેઠક પરથી બસપાના ઉમેદવાર સરબત કરીમ અન્સારીના નિધન બાદ આ બેઠક ખાલી થઈ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં BSPના સરબત કરીમ અન્સારીને 32660 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કાઝી મોહમ્મદ નિઝામુદ્દીનને 32062 વોટ મળતા અંસારી 598 મતે જીત્યા હતા. અહીં 10 જુલાઈએ પેટા ચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ, ભાજપ અને બસપાનું ટેન્શન વધ્યું
ઉત્તરાખંડની મંગલૌર વિધાનસભાની પેટાચૂંટણી લડવાની ચંદ્રશેખર આઝાદની જાહેરાતથી કોંગ્રેસ, ભાજપ અને બસપાને પરસેવો પડી જશે. બસપા માટે આ બેઠક જાળવી રાખવાનો પડકાર છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપે પણ આ સીટ પોતાના નામે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. એવામાં ચંદ્રશેખર આઝાદે અહીં ચૂંટણી લડવાની જાહેરાત કરતાં બધાનું ટેન્શન વધ્યું છે. ચંદ્રશેખર આઝાદે જે રીતે પોતાના દમ પર નગીના લોકસભાની ચૂંટણી જીતી તેનાથી દેશમાં આઝાદ સમાજ પાર્ટીનું વાતાવરણ બદલાઈ ગયું છે. લોકો પણ નવા વિકલ્પ તરફ વિચારી રહ્યા છે.






