NDA સાથી નાયડુ બાદ અજિત પવાર ‘મુસ્લિમ આરક્ષણ’ના સમર્થનમાં, ભાજપની વધશે મુશ્કેલી
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા અ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા અને પક્ષના ઉપાધ્યક્ષ સલીમ સારંગે પણ રાજ્યમાં મુસ્લિમો માટે નોકરીઓ અને શિક્ષણ ઉપરાંત રાજકીય અનામતની માંગ કરી હતી.
અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બુધવારે કહ્યું કે તે મુસ્લિમોને શિક્ષણમાં અનામત આપવાના મુદ્દે મક્કમ છે. NCP તેલુગુ દેશમ પાર્ટી (TDP) બાદ આવું કહેનાર બીજો રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સાથી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભાજપ સાથે ગઠબંધન હોવા છતાં ચંદ્રબાબુ નાયડુએ મુસ્લિમ આરક્ષણના મુદ્દે અલગ વલણ અપનાવ્યું હતું અને મુસ્લિમ આરક્ષણની હિમાયત કરી હતી. તેમને ખુલ્લેઆમ કહ્યું, "અમે શરૂઆતથી જ મુસ્લિમો માટે ચાર ટકા આરક્ષણનું સમર્થન કરતા આવ્યા છીએ અને આ ચાલુ રહેશે."
હવે NCPએ પણ ખુલ્લેઆમ આની માંગણી કરી છે. એનસીપીના મુખ્ય પ્રવક્તા ઉમેશ પાટીલે કહ્યું, “પ્રગતિશીલ વિચારધારા માત્ર અનામત આપવા માટે નીતિઓ બનાવવા સુધી મર્યાદિત નથી. ‘શિવ, શાહુ, ફૂલે અને આંબેડકર’ની પ્રગતિશીલ વિચારધારા સમાજમાં સર્વસમાવેશક અભિગમ અપનાવે છે. આ સમાનતાનો વિચાર છે. મુસ્લિમોને 5 ટકા અનામત આપવાના અમારા નિર્ણયને હાઈકોર્ટે સ્વીકાર્યો હતો. જોકે, બાદમાં આ મુદ્દો મોકૂફ રાખવામાં આવ્યો હતો. અમે અમારી સ્થિતિ પર અડગ છીએ કે મુસ્લિમ સમુદાયને અનામત મળવી જોઈએ.
એક મીડિયા અહેવાલ મુજબ, સોમવારે તેના 25માં સ્થાપના દિવસ પર અજિત પવારની આગેવાની હેઠળની NCPએ મુસ્લિમો અને પછાત વર્ગના લોકોને પાર્ટીમાં પાછા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, અને કહ્યું હતું કે તેઓએ લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીથી દૂર થઇ ગયા હતા. અજિત પવારે એમ પણ કહ્યું હતું કે ભાજપ સાથે હાથ મિલાવતી વખતે તેમને નેતૃત્વને સ્પષ્ટ કરી દીધું હતું કે ભાજપ સાથે હાથ મિલાવ્યા છતાં પાર્ટી 'શિવ, શાહુ, ફૂલે, આંબેડકર'ની વિચારધારાને વળગી રહેશે.
ભાજપે હંમેશા મુસ્લિમ અનામતનો વિરોધ કરતા કહ્યું છે કે તે ધર્મના આધારે આપી શકાય નહીં. વધુમાં, તેના સમગ્ર લોકસભા પ્રચાર દરમિયાન પાર્ટીએ કોંગ્રેસ પર અન્ય પછાત વર્ગ (ઓબીસી) ક્વોટાને કાપીને મુસ્લિમોને અનામત આપવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં ભાજપના સાથી પક્ષ ટીડીપીએ કહ્યું છે કે તે મુસ્લિમ આરક્ષણને સમર્થન આપે છે અને રાજ્યમાં આમ કરવાનું ચાલુ રાખશે.
અગાઉ, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) (અજિત જૂથ) ના વરિષ્ઠ નેતા અને પક્ષના ઉપાધ્યક્ષ સલીમ સારંગે પણ રાજ્યમાં મુસ્લિમો માટે નોકરીઓ અને શિક્ષણ ઉપરાંત રાજકીય અનામતની માંગ કરી હતી. સારંગ દાયકાઓથી મુસ્લિમો માટે અનામતની માંગ કરી રહ્યા છે. સારંગની નવી માંગમાં રાજકીય અનામતનો પણ સમાવેશ થાય છે. તેમને મુસ્લિમો માટે અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવાની અને રસ્તા પર ઉતરવાની પણ ધમકી આપી હતી. તેમને કહ્યું, “કોઈ પણ મોટી પાર્ટીએ કોઈ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. મહારાષ્ટ્રમાંથી એક પણ મુસ્લિમ સાંસદ નથી. નરેન્દ્ર મોદી સરકારમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી.” સારંગનું નિવેદન મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આવ્યું છે.








