આજીવન કેદની સજાથી ગુસ્સે ભરાયો આરોપી, કોર્ટમાં જજ પર ફેંક્યું ચપ્પલ
તેલંગાણામાં સજાથી ગુસ્સે ભરાયેલા એક ગુનેગારે કોર્ટમાં ન્યાયાધીશ પર ચંપલ ફેંક્યું. હૈદરાબ

તેલંગાણામાં સજાથી ગુસ્સે ભરાયેલા એક ગુનેગારે કોર્ટમાં ન્યાયાધીશ પર ચંપલ ફેંક્યું. હૈદરાબાદમાં હત્યાના પ્રયાસની એક ઘટનામાં આરોપીને એક મહિલા જજે આજીવન કેદની સજા ફટકારી તો પુરુષ આરોપી ગુસ્સે થઈ ગયો. અને ભરી કોર્ટમાં જજ પર ચપ્પલ ફેંકીને તેમને મારવાનો પ્રયાસ કર્યો.
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના એવા સમયે બની જ્યારે આરોપીને બીજા હત્યા કેસની સુનાવણી માટે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીએ ફેંકેલું ચપ્પલ જજને વાગ્યું નહીં પરંતુ આ ઘટનાએ કોર્ટમાં ખળભળાટ મચાવી દીધો. ઘટના બાદ તાત્કાલિક આરોપીની ધરપકડ થઈ હતી.
હત્યાના પ્રયાસ બદલ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 11 ફેબ્રુઆરીએ કોર્ટે હત્યાના પ્રયાસના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ 13 ફેબ્રુઆરી ગુરુવારે તે જ વ્યક્તિને બીજા હત્યાના કેસમાં તે જ કોર્ટમાં ફરી રજૂ કરાયો ત્યારે વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીના આ વર્તનથી કોર્ટમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા.
બાર એસોસિએશને ઘટનાને વખોડી
હૈદરાબાદની આ ઘટનામાં રંગારેડ્ડી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશને સખત નિંદા કરતા નારાજગી વ્યક્ત કરી છે. વકીલોએ ગુનેગારને કોર્ટ પરિસરમાં પકડીને ખૂબ માર માર્યો. એસોસિએશનના પ્રમુખ વાય કોંડલ રેડ્ડીએ જણાવ્યું હતું કે, આજીવન કેદની સજા પામેલા દોષી ન્યાયાધીશ સામે ગુસ્સે ભરાયેલો હતો. એટલે મહિલા જજ પર ચંપલ ફેક્યું પણ નિશાન ચૂકી ગયો હતો.
કડક કાર્યવાહીની માંગ
રેડ્ડીએ ન્યાયાધીશ પર હુમલો કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હુમલાની નિંદા કરતા કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે. પોલીસ આરોપી વિરુદ્ધ વધુ એક કેસ નોંધી તપાસ કરી છે.








