'આરોપીને કોઈપણ બહાને જેલમાં ના રાખી શકો', સુપ્રીમ કોર્ટે PMLA મુદ્દે EDને ઝાટકી
સુપ્રીમ કોર્ટે EDની કાર્યપદ્ધતિના અભિગમ સામે સખત નારાજગી વ્યક્ત કરતા છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં એક IAS અધિકારીને જામીન

સુપ્રીમ કોર્ટે EDની કાર્યપદ્ધતિના અભિગમ સામે સખત નારાજગી વ્યક્ત કરતા છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં એક IAS અધિકારીને જામીન આપ્યા. કોર્ટે ઈડીને કહ્યું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો દુરુપયોગ કોઈપણ આરોપીને જાણી જોઈને જેલમાં રાખવા માટે કરી શકાતો નથી.
જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે છત્તીસગઢ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં આરોપીની જામીન અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે, આરોપીની 8 ઓગસ્ટ, 2024ના રોજ ધરપકડ કરવામાં આવી ત્યારથી તે કસ્ટડીમાં છે. જ્યારે હાઈકોર્ટે ફરિયાદની નોંધ લેતા સેશન્સ કોર્ટના આદેશને રદ કરી દીધો હતો.
મળતી માહિતી મુજબ, આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ઓકાએ કેન્દ્રીય એજન્સી ED પર મૌખિક ટિપ્પણી કરતા કહ્યું કે, PMLAની અવધારણા એ સુનિશ્ચિત કરવાનો ન હોઈ શકે કે કોઈ વ્યક્તિને એક યા બીજા બહાના પર જેલમાં રાખવામાં આવે. હું તમને ખૂબ સ્પષ્ટપણે કહી દઉં કે 498A કેસોમાં શું થયું, જો EDનો આ અભિગમ હોય તો તે ખૂબ જ ગંભીર ગુનો છે. ઘણા કેસોમાં સંજ્ઞાન રદ થવા છતાં પણ વ્યક્તિને કોઈના કોઈ રીતે જેલમાં રાખવામાં આવે તો શું કહી શકાય?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ રાજુએ બેન્ચને જણાવ્યું હતું કે, સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી અને કોઈ ગુનો નોંધાયો ન હતો તે કારણસર સંજ્ઞાનનો આદેશ રદ કરવામાં આવ્યો હતો. અપીલકર્તા વતી વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરા હાજર રહ્યા હતા.
એડિશનલ સોલિસિટર જનરલના આ નિવેદન પર જસ્ટિસ ઓકાએ કહ્યું, "અમે તમને કેવા પ્રકારના સંકેત આપી રહ્યા છીએ? એ પણ સમજો. કોઈપણ આધારે સંજ્ઞાન લેવાનો આદેશ રદ કરવામાં આવ્યો છે, પરંતુ એ પણ જોવું પડશે કે કોઈ વ્યક્તિ ઓગસ્ટ 2024થી કસ્ટડીમાં છે. આ બધું શું છે? ત્યારબાદ બેન્ચે આરોપીને જામીન આપતા કહ્યું કે, કોગ્નિઝન્સ ઓર્ડર રદ થયા પછી તેની કસ્ટડી ચાલુ રાખી શકાતી નથી. કોર્ટે પોતાના જામીનના આદેશમાં એમ પણ કહ્યું હતું કે જો જામીનની શરતોનું ઉલ્લંઘન થશે તો અધિકારીઓ જામીન રદ કરવા માટે અરજી કરી શકશે.







