ગંદી ગાળો આપી, ચપ્પલ માર્યું...રડતાં મા-બાપનું ઘર છોડ્યું, રોહિણી આચાર્યએ કરી નવી પોસ્ટ
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનના પ

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનના પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ પડી છે. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજે તેમણે ફરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે.
રોહિણી આચાર્યની ભાવુક પોસ્ટ અને ગંભીર આરોપ
રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વિના પોસ્ટ કરી કહ્યું છે, કે ગઇકાલે એક પુત્રી, એક બહેન, એક પરિણીત મહિલા, એક જનેતાનું અપમાન કરવામાં આવ્યું. ગંદી ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી લીધી. મેં મારા આત્મસન્માન સાથે બાંધછોડ ન કરી તેના કારણે મારું અપમાન કરાયું. મજબૂરીમાં એક પુત્રીએ રડતાં મા-બાપ તથા બહેનોને છોડવી પડી. મારે મારું પિયર છોડવું પડ્યું. મને અનાથ બનાવી દીધી. તમે બધા ક્યારેય મારા માર્ગ પર ન ચાલતા, રોહિણી જેવી કોઈ દીકરી કે બહેન કોઈના ઘરમાં ન જન્મે."
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલા ઉત્સાહ વચ્ચે રોહિણીની આ પોસ્ટ આવી છે. ગઈકાલે જ, રોહિણીએ રાજકારણ છોડી દેવાનો અને પોતાના પરિવારથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો, જેના કારણે વિવિધ અટકળો શરૂ થઈ.
આ દરમિયાન, આ સમગ્ર વિવાદ પર લાલુ કે તેજસ્વી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું આ ચૂંટણીમાં થયેલી હારની અસર છે કે કોઈ જૂના કૌટુંબિક તણાવનો વિસ્ફોટ છે.








