દિલ્હી: AAPના તમામ 70 બેઠકો પર ઉમેદવાર જાહેર, કેજરીવાલ નવી દિલ્હી- CM આતિશી કાલકાજીથી ચૂંટણી લડશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. AAPની ચોથી અને ફાઇનલ ય

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. AAPની ચોથી અને ફાઇનલ યાદીમાં 38 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. AAPના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિધાનસભા ચૂંટણી લડશે. કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે જ્યારે આતિશી કાલકાજીથી ચૂંટણી લડશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 38 ઉમેદવારોની ચોથી અને ફાઇનલ યાદી જાહેર કરી છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. મુખ્યમંત્રી આતિશી ફરી એક વખત કાલકાજીથી ચૂંટણી લડશે. આ રીતે સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે. આ બનને વર્તમાનમાં આ બેઠક પર ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીએ કસ્તૂરબા નગરથી પોતાના વર્તમાન ધારાસભ્ય મદન લાલની ટિકિટ કાપીને રમેશ પહેલવાનને મેદાનમાં ઉતાર્યા છે. રમેશ પહેલવાન અને તેમના કાઉન્સિલર પત્ની કુસુમ લતા આજે જ ભાજપ છોડીને AAPમાં સામેલ થયા છે.
આ સિવાય સત્યેન્દ્ર કુમાર જૈન શકૂર બસ્તીથી, મુકેશ કુમાર અહલાવત સુલ્તાનપુર માજરાથી, રઘુવિંદર શૌકીન નાંગલોઇ જાટથી, સોમદત્ત સદર બજારથી અને ઇમરાન હુસૈન બલ્લીમારાનથી ચૂંટણી લડશે.
કેજરીવાલે શું કહ્યું?
AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યું, 'આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પાર્ટી પુરા આત્મવિશ્વાસ અને પુરી તૈયારી સાથે ચૂંટણી લડી રહી છે. ભાજપ ગાયબ છે, તેમની પાસે ના તો CMનો ચહેરો છે અને ના તો ટીમ છે, ના કોઇ પ્લાનિંગ છે અને ના તો દિલ્હી માટે કોઇ વિઝન છે. ભાજપનો એક જ નારો છે માત્ર એક જ નીતિ છે અને માત્ર એક જ મિશન છે-કેજરીવાલને હટાવો, તેમને પૂછો 5 વર્ષ શું કર્યું તો તે જવાબ આપે છે- કેજરીવાલને ઘણી ગાળો બોલી.'
કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમારી પાર્ટી પાસે દિલ્હીવાસીઓ માટે વિકાસનું વિઝન છે, પ્લાન છે અને તેને લાગુ કરવા માટે ભણેલા લોકોની એક સારી ટીમ છે. છેલ્લા 10 વર્ષમાં કામની લાંબી યાદી છે. દિલ્હીવાસીઓ માટે કામ કરનારાઓને વોટ આપો ના કે ગાળો બોલનારાઓને.'








