VIDEO: ટોલ પ્લાઝા પર LPG ગેસ ટેન્કરમાં થયો બ્લાસ્ટ, કાળજુ કંપાવતા CCTV વાયરલ
કૌશામ્બી: કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોરી ટોલ


કૌશામ્બી: કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોરી ટોલ પ્લાઝા પર ગત ૨૬ જૂનની સવારે સર્જાયેલા ભયાનક એલપીજી ગેસ ટેન્કર અકસ્માતમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા વધુ બે ઈજાગ્રસ્ત ટોલ કર્મચારીઓએ દમ તોડી દીધો છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને હવે ૫ થઈ ગયો છે. બીજી તરફ આ ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.
નેશનલ હાઈવે ૨ પર કોખરાજ-હંડિયા (સિહોરી) ટોલ પ્લાઝાના ૨૬ જૂનની સવારે આશરે ૬:૪૦ વાગ્યાના સીસીટીવી ફૂટેજમાં આ અકસ્માત સ્પષ્ટપણે જોઈ શકાય છે. સિહોરી ટોલ પ્લાઝા પર રોજની જેમ વાહનો પસાર થઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક એક પૂરપાટ ઝડપે આવી રહેલું અનિયંત્રિત એલપીજી ગેસ ટેન્કર સીધું આવીને ટોલ પ્લાઝાની કેબિન અને દીવાલ સાથે ભટકાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ થયો અને આખો ટોલ પ્લાઝા આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો. ચારેય તરફ માત્ર ધુમાડો અને મોતનું તાંડવ દેખાઈ રહ્યું હતું.
આ દુર્ઘટનામાં અકસ્માતના દિવસે જ ટેન્કર ચાલક ધર્મેન્દ્ર દુબે (૪૦) અને ટોલ કર્મચારી આલોક સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ બુધવારે રોડ યુઝર અનિલ કુમારે દમ તોડ્યો હતો. જ્યારે ગત ગુરુવારે વધુ બે ઈજાગ્રસ્ત ટોલ કર્મચારીઓ- રાયબરેલીના હીરામણિ સિંહ (૨૯) અને મધ્ય પ્રદેશના કૃષ્ણપાલ મૌર્ય (૨૩)નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
હીરામણિ પોતાના માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. ૪ વર્ષ પહેલાં તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. હવે પરિવારમાં વૃદ્ધ માતા, પત્ની અને બે માસૂમ બાળકો છે. તો વળી, એમપીના રહેવાસી કૃષ્ણપાલ મૌર્ય છેલ્લા બે વર્ષથી અહીં નોકરી કરતા હતા, તેમના અવસાનથી પરિવારનો ચિરાગ બુઝાઈ ગયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવક અતુલ કુમાર મિશ્રાની હાલત હજુ પણ નાજુક બનેલી છે. તેમની પ્રયાગરાજની હોસ્પિટલના બર્ન વોર્ડમાં સારવાર ચાલી રહી છે.





