મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાહુલ ગાંધીથી લાલુ પ્રસાદ યાદવ સુધી, પાંચમા તબક્કાની ચૂંટણીમાં રાજકીય પરિવારોની પરીક્ષા

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આવતા અઠવાડિયે 20 મે (સોમવાર) મતદાન યોજાશે. આ તબક્કામાં 8 રાજ્ય અને કેન્દ્

રાહુલ ગાંધીથી લાલુ પ્રસાદ યાદવ સુધી, પાંચમા તબક્કાની ચૂંટણીમાં રાજકીય પરિવારોની પરીક્ષા

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આવતા અઠવાડિયે 20 મે (સોમવાર) મતદાન યોજાશે. આ તબક્કામાં 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 બેઠક પર મતદાન થવાનું છે. દર વખતની જેમ આ વખતે પણ કેટલાક મોટા ચહેરા નસીબ અજમાવી રહ્યાં છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે કેટલાક અન્ય કેન્દ્રીય મંત્રીઓના નસીબનો નિર્ણય આ તબક્કામાં થવાનો છે. આ તબક્કો એટલા માટે પણ ખાસ છે કારણ કે રાજકીય પરિવારના વારસ પણ ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર એટલે કે શનિવારે શાંત થઇ જશે.

ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી રાજકારણમાં પરિવારવાદને લઇને સતત પ્રહાર કરવામાં આવતા હોય પરંતુ દરેક પક્ષના રાજકીય પરિવારના વારસ ચૂંટણી મેદાનમાં જોવા મળતા રહ્યાં છે. ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્ર દરેક જગ્યાએ રાજકીય વારસ પોતાની રાજકીય જમીનને શોધી રહ્યાં છે અથવા મજબૂત કરવાના પ્રયાસમાં લાગેલા છે.

પિતા બાદ હવે માતાની બેઠક પર રાહુલ ગાંધી

પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર મતદાન થવાનું છે. 14માંથી 3 બેઠક (રાયબરેલી, બારાબંકી અને કૈસરગંજ) પર રાજકીય વારસ ચૂંટણી લડી રહ્યાં છે. અમેઠીને છોડીને આ વખતે રાયબરેલી લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યાં છે. 2004થી રાજકારણમાં પગ મુકનારા રાહુલ ગાંધી ત્યારથી લઇને સાંસદ છે. જોકે, 2019ની ચૂંટણીમાં તેમને અમેઠીમાં સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચવામાં સફળ રહ્યાં હતા.

રાહુલ ગાંધી આ વખતે અમેઠીની જગ્યાએ પોતાની માતા સોનિયા ગાંધીની પારંપરિક બેઠક પરથી પ્રથમ વખત નસીબ અજમાવી રહ્યાં છે. રાહુલ ગાંધીના પ્રચાર માટે બહેન પ્રિયંકા ગાંધી સતત રેલી અને જનસભા કરી રહ્યાં છે. સોનિયા ગાંધી અમેઠી છોડીને 2004માં રાયબરેલી આવી ગયા હતા અને ત્યારથી તે સતત ચૂંટણી જીતતા રહ્યાં છે. સોનિયા ગાંધી આ વખતે ચૂંટણી નથી લડી રહ્યાં અને તેમની જગ્યાએ રાહુલ ગાંધી મેદાનમાં છે. અમેઠીથી રાહુલ ગાંધીના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 4 વખત સાંસદ રહ્યાં છે જ્યારે રાયબરેલીથી સોનિયા ગાંધી 5 વખત સાંસદ ચૂંટાયા હતા.

બારાબંકી: 3 વખતની નિષ્ફળતા, હવે જીતની આશા

લખનૌ પાસે આવેલા બારાબંકી લોકસભા બેઠક પર એક રાજકીય વારસ પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોગ્રેસ બારાબંકીથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે અહીં તનુજ પુનિયાને મેદાનમાં ઉતાર્યા છે. તનુજ દિગ્ગજ દલિત નેતા અને પૂર્વ આઇએએસ પીએલ પુનિયાના પુત્ર છે. 

કૈસરગંજ: કરણ સિંહની આગળ પરિવારનો પડકાર

ઉત્તર પ્રદેશની કૈસરગંજ બેઠક પર તમામની નજર હતી કે શું ભાજપ અહીં દિગ્ગજ નેતા બ્રૃજભૂષણ શરણ સિંહને ફરી ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતારશે. લાંબા સમય સુધી અટકળો ચાલતી રહી પણ ભાજપે બ્રૃજભૂષણ શરણ સિંહની ટિકિટ કાપતા તેમના પુત્ર કરણ સિંહને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. યૌન શોષણ સાથે જોડાયેલી ઘટના હોવાને કારણે બ્રૃજભૂષણની ટિકિટ કપાઇ હતી.

કરણ સિંહ કેટલીક વખત સાંસદ રહેલા બ્રૃજભૂષણ શરણ સિંહના નાના પુત્ર છે. કરણ ડબલ ટ્રેપ શૂટીંનો નેશનલ લેવલનો ખેલાડી રહ્યો છે. તે ઉત્તર પ્રદેશ કુશ્તી સંઘના અધ્યક્ષ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે અધ્યક્ષ બન્યા હતા.
ગઠબંધન હેઠળ કૈસરગંજ લોકસભા બેઠક સમાજવાદી પાર્ટીના ખાતામાં આવી છે. કરણ સિંહ સામે ઇન્ડિયા ગઠબંધને ભગતરામ મિશ્રને મેદાનમાં ઉતાર્યા છે. તે પણ એક રાજકીય પરિવાર સાથે સબંધ રાખે છે. વકીલ ભગતરામ પૂર્વ સાંસદ દદ્દન મિશ્રાના ભાઇ છે. બહરાઇચના ભગતરામના પત્ની પણ રાજકારણમાં છે અને જિલ્લા પંચાયત અધ્યક્ષ રહી ચુક્યા છે.

ગોંડા: સિંહ વિરૂદ્ધ વર્માનો મુકાબલો

ગોંડા લોકસભા બેઠક પર રાજકીય વારસો વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપે આ બેઠક પર વર્તમાન સાંસદ કીર્તિવર્ધન સિંહને ટિકિટ આપી છે જ્યારે તેમની સામે ઇન્ડિયા ગઠબંધને શ્રેયા વર્માને મેદાનમાં ઉતાર્યા છે. ગઠબંધન હેઠળ આ બેઠક સમાજવાદી પાર્ટીના ભાગમાં આવી છે અને પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના પૌત્રી શ્રેયા વર્માને રાજકીય ઇનિગ્સ શરૂ કરવાની તક આપી છે. શ્રેયાના પિતા રાકેશ વર્મા પણ રાજકારણમાં રહ્યાં છે અને તે ધારાસભ્ય તથા રાજ્ય સરકારમાં મંત્રી રહી ચુક્યા છે.

બારામુલામાં પણ રાજકીય પરિવારનો પડકાર

દેશમાં સાત તબક્કામાં યોજાઇ રહેલી ચૂંટણીના પાંચમા તબક્કામાં જમ્મુ કાશ્મીરની બારામુલા બેઠક પર પણ ચૂંટણી યોજાઇ રહી છે. બારામુલા લોકસભા બેઠક પર નેશનલ કોન્ફ્રેન્સ (NC)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા મેદાનમાં છે. ઉમર અબ્દુલ્લાને પીપુલ્સ કોન્ફ્રેન્સના સજ્જાદ લોન ટક્કર આપે તેવી શક્યતા છે.

અબ્દુલ્લા પરિવાર દેશના સફળ રાજકીય પરિવારમાંથી એક ગણાય છે. દેશમાં આ એકમાત્ર પરિવાર છે જેમની 3 પેઢીઓને મુખ્યમંત્રી બનવાની તક મળી છે. ઉમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા, પિતા ફારૂક અબ્દુલ્લા અને ખુદ ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બની ચુક્યા છે.

સારણ:લાલુની દીકરી અજમાવી રહી છે નસીબ

બિહારના રાજકારણમાં પણ રાજકીય પરિવારોનો દબદબો જેવા મળે છે. આ વખતે ચૂંટણીમાં બિહારની ચર્ચામાં રહેલી બેઠક સારણ છે. આ બેઠક પર રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય ચૂંટણી લડી રહી છે. આ વિસ્તાર લાલુ પરિવારનો ગઢ ગણાય છે. અહીંથીી લાલુ યાદવ અને રાબડી દેવી ચૂંટણી લડી ચુક્યા છે. લાલુ 4 વખત અહીંથી સાંસદ ચૂંટાયા હતા.

હાજીપુરમાં પિતા બાદ હવે પુત્ર ચિરાગ

બિહારની એક બેઠક છે જ્યા એક રાજકીય પરિવારના વારસ પોતાના રાજકીય કરિયને ધાર આપવા માંગે છે. અનુસૂચિત જાતિ માટે રિઝર્વ હાજીપુર બેઠક પરથી આ વખતે લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ના નેતા ચિરાગ પાસવાન પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. તે રામવિલાસ પાસવાનના પુત્ર છે અને જમુઇ બેઠક પરથી 2014 તથા 2019ની ચૂંટણીમાં જીત પણ મેળવી ચુક્યા છે. આ વખતે તેમને પરંપરાગત બેઠક બદલતા હાજીપુરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર: મુખ્યમંત્રી શિંદેના પુત્રની હેટ્રિક પર નજર

ઉત્તર પ્રદેશ અને બિહાર જ નહીં પણ મહારાષ્ટ્રમાં પણ કેટલાક રાજકીય પરિવારના વારસ પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર ડૉક્ટર શ્રીકાંત શિંદે પણ ચૂંટણી જીતની હેટ્રિક લગાવવાના પ્રયાસમાં જોડાયેલા છે. શ્રીકાંતે માત્ર 27 વર્ષની ઉંમરમાં 2014માં ચૂંટણીમાં શિવસેનાની ટિકિટ પર જીત મેળવી હતી. 2019ની ચૂંટણીમાં તે કલ્યાણ બેઠક પરથી ફરી ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં હતા. હવે તેની નજર જીતની હેટ્રિક પર છે. 

આ સમાચાર શેર કરો