ચેન્નાઈમાં દર્દી બનીને કેન્સર હોસ્પિટલમાં ઘૂસી ડોક્ટર પર કર્યો હુમલો, ચપ્પાથી 7 ઘા ઝીંકી દીધા
ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીના પુત્રે ડૉક્ટર પ

ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીના પુત્રે ડૉક્ટર પર છરી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર હુમલા બાદ નાજુક હાલતમાં ડોક્ટરની સારવાર ચાલી રહી છે. ચેન્નાઈ પોલીસના જણાવ્યા મુજબ ડૉક્ટર પર હુમલો કરનાર ચેન્નઈના વ્યક્તિનું નામ વિગ્નેશ છે. કલૈગનાર સેંટેનરી હોસ્પિટલના કેન્સર વોર્ડમાં તેની માતા દાખલ હતી. ડો.બાલાજી પણ આ જ વોર્ડમાં પોતાની સેવા આપી રહ્યા હતા. બુધવારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિગ્નેશે આવીને તેમના પર છરી વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે એક પછી એક તેમની ઉપર 7થી વધુ ઘા માર્યા હતા.
આ પણ વાંચોઃ ખ્યાતિકાંડ બાદ જાગ્યું તંત્ર, PMJAYમાં ગેરરીતિ સામે આવતાં 20 હોસ્પિટલ સામે થશે કાર્યવાહી
હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો
હુમલા બાદ આરોપી યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે પોલીસને જણાવ્યું હતું કે, ડોક્ટરે તેની કેન્સરગ્રસ્ત માતા માટે ખોટી દવા લખી હતી. તે ખાધા પછી માતાની તબિયત બગડી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પોતે ડૉક્ટર પાસે દર્દી બનીને ગયો હતો.
સીએમ સ્ટાલિને આપ્યા તપાસના આદેશ
બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે ઘાયલ ડોક્ટરને જરૂરી સારવાર આપવા અને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું, "આ આઘાતજનક છે કે ગિન્ડી કલૈગનાર સેંટેનરી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરતા ડો. બાલાજીને દર્દીના પરિવારના સભ્યે છરો માર્યો છે. આ ઘટનામાં સામેલ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.
સીએમ સ્ટાલીને જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને યોગ્ય સારવાર આપવા માટે અમારા ડોકટરોનું નિઃસ્વાર્થ કાર્ય અતુલ્ય છે. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણી ફરજ છે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સરકાર તમામ પગલાં લેશે. રાજ્યના આરોગ્યમંત્રી સુબ્રમણ્યમે પણ આ મામલે ત્વરિત કાર્યવાહીનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે બે લોકોની ધરપકડ કરી છે અને આ ઘટનામાં સામેલ અન્ય લોકોની ધરપકડ કરવા તાત્કાલિક પગલાં લેવાશે.






