મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Loksabha Election 2024: પ્રથમ તબક્કામાં 450 ઉમેદવાર કરોડપતિ, 161 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ

લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાવાનું છે. આ દિવસે 21 રાજ્ય અને

Loksabha Election 2024: પ્રથમ તબક્કામાં 450 ઉમેદવાર કરોડપતિ, 161 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ

લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાવાનું છે. આ દિવસે 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે જેમાંથી 252 ઉમેદવાર પર કોઇ કેસ નોંધાયેલો છે તો 450 ઉમેદવાર કરોડપતિ છે. કમલનાથના પુત્ર નકુલનાથ સૌથી વધુ અમીર ઉમેદવાર છે.

ADRએ 1625 ઉમેદવારમાંથી 1618 ઉમેદવારોની ચૂંટણી એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે 102 બેઠકમાંથી 42 બેઠક આવી છે જ્યા ત્રણ કે તેથી વધુ ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ADRએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે 1618 ઉમેદવારમાંથી 16 ટકા એટલે કે 252 ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે જ્યારે 10 ટકા એટલે 161 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

સાત ઉમેદવારો પર હત્યાનો કેસ નોંધાયેલો છે જ્યારે 19 ઉમેદવારો વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો કેસ છે. 18 ઉમેદવાર એવા છે જેમના પર મહિલાઓ વિરૂદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલો છે જેમાંથી એક પર રેપનો કેસ પણ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે 35 ઉમેદવારો પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે.

કઇ પાર્ટીના કેટલા ગુનાહિત ઉમેદવાર?

પ્રથમ તબક્કામાં બિહારની ચાર બેઠક પર મતદાન છે. RJDના તમામ ચાર ઉમેદવારો વિરૂદ્ધ ગુનાહિત કેસ છે. DMKના 22માંથી 13, સપાના સાતમાંથી 3, TMCના પાંચમાંથી 2, ભાજપના 77માંથી 28, AIADMKના 36માંથી 13, કોંગ્રેસના 56માંથી 19, BSPના 86માંથી 11 ઉમેદવારો વિરૂદ્ધ ગુનાહિત કેસ નોંધાયેલો છે. જો ગંભીર ગુનાહિત કેસની વાત કરીએ તો RJDના ચારમાંથી બે, DMKના 22માંથી 6, સપાના સાતમાંથી 2, TMCના પાંચમાંથી એક ઉમેદવારોની ઉપર ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ભાજપના 14, AIADMKના 6, કોંગ્રેસના 8 અને BSPના 8 ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.

કઇ પાર્ટીમાં કેટલા કરોડપતિ?

પ્રથમ તબક્કામાં 1618માંથી 28 ટકા એટલે કે 450 ઉમેદવાર કરોડપતિ છે. RJDના તમામ ચાર ઉમેદવાર કરોડપતિ છે. ભાજપના 77માંથી 69, કોંગ્રેસના 56માંથી 49, AIADMKના 36માંથી 35, DMKના 22માંથી 21, TMCના પાંચમાંથી 4 અને BSPના 86માંથી 18 ઉમેદવાર કરોડપતિ છે. આ ઉમેદવારોએ એક કરોડથી વધુ સંપત્તિ જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં દરેક ઉમેદવાર પાસે એવરેજ 4.51 કરોડની સંપત્તિ છે. મધ્ય પ્રદેશના છિંદવાડાના ઉમેદવાર નકુલનાથ સૌથી અમીર ઉમેદવાર છે, તેમણે પોતાની 716 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. બીજા નંબર પર AIADMKના ઉમેદવાર અશોક કુમાર છે, જેમણે 662 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

આ સમાચાર શેર કરો