મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુસ્લિમ મતોને આકર્ષવા દરગાહની યાત્રા માટે માથાંદીઠ 30 હજારની શિંદેની સહાય, મહારાષ્ટ્ર સરકારનો ચૂંટણીલક્ષી વધુ એક નિર્ણય 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં એકનાથ શિંદે સરક

મુસ્લિમ મતોને આકર્ષવા દરગાહની યાત્રા માટે માથાંદીઠ 30 હજારની શિંદેની સહાય, મહારાષ્ટ્ર સરકારનો ચૂંટણીલક્ષી વધુ એક નિર્ણય 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં એકનાથ શિંદે સરકારે મદરેસાના શિક્ષકોનો પગાર ત્રણ ગણો કરી દેવાનો નિર્ણય કર્યો હતો. હવે જાહેર થયેલી વિગતો અનુસાર શિંદે સરકારે આચારસંહિતા લાગુ પડે તેના થોડા કલાકો પહેલાં વૃદ્ધો માટેની સીએમ તીર્થદર્શન યોજનામાં મહારાષ્ટ્રની કેટલીક જાણીતી દરગાહોનો પણ સમાવેશ કર્યો છે.

મહારાષ્ટ્ર સરકાર આ દરગાહોની યાત્રા માટે વ્યક્તિદીઠ 30 હજાર રૂપિયાની સહાય ચુકવશે. દેખીતી રીતે જ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતોને રીઝવવા માટે ભાજપની ભાગીદારી ધરાવતી સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

એક તરફ ભાજપના નિતેશ રાણે જેવા નેતાઓ છાશવારે લઘુમતી કોમ વિરૂદ્ધ બેફામ ઝેરીલાં નિવેદનો કરતા રહે છે. તે માટે રાણે સામે અનેક કેસ પણ નોંધાઇ ચુક્યા છે. ભાજપના નેતાઓ છાશવારે કોંગ્રેસ તથા ઉદ્ધવ જૂથ પર લઘુમતી તુષ્ટીકરણના આરોપો મૂકતા રહે છે પરંતુ બીજી તરફ ભાજપ તેની ભાગીદારી સરકાર દ્વારા લેવાઇ રહેલાં લઘુમતી મતો ખાતરનાં ચૂંટણીલક્ષી પગલાં બાબતે ચૂપ છે.

અગાઉ શિંદે સરકારે બીએડની ડિગ્રી ધરાવતા શિક્ષકોનો પગાર છ હજારથી વધારીને 16 હજાર, બીએડ અથવા તો બીએસસી બીએડ થયેલા શિક્ષકોનો પગાર આઠ હજારથી વધારીને 18 હજાર કરવાનો નિર્ણય લીધો હતો તે પછી લઘુમતી મતોને આકર્ષવા વધુ એક પગલું લેવાયું છે.

મહારાષ્ટ્ર સરકારે ગઇ તા.15મી ઓક્ટોબરે એટલે કે ચૂંટણી આચારસંહિતા લાગુ પડી તેના ગણતરીના કલાકો પહેલાં જ એક જીઆર પ્રગટ કરી સીએમ તીર્થ દર્શન યોજનામાં લઘુમતી ધર્મોના તીર્થસ્થાનોનો પણ સમાવેશ કર્યો હતો. તેમાં મુંબઇની હાજીઅલી, કલ્યાણની મલંગ દરગાહ અને ભિવંડીની દિવાનશાહ દરગાહનો પણ સમાવેશ થાય છે. 15મીએ જારી થયેલા પરીપત્રમાં મહારાષ્ટ્રમાં આવેલાં 95 અને મહારાષ્ટ્રની બહાર આવેલાં 15 ધર્મસ્થળોનો ઉમેરો કરાયો હતો.

સરકારે ગયાં જુલાઇમાં આ યોજના લાગુ પાડી ત્યારે તેમાં મહારાષ્ટ્રના 66 અને મહારાષ્ટ્ર બહારનાં 73 ધાર્મિક સ્થળોનો સમાવેશ કર્યો હતો. મૂળ યોજનામાં એક પણ મુસ્લિમ ધાર્મિક સ્થળનો સમાવેશ કરાયો નહતો પરંતુ, 15મી ઓક્ટોબરે બપોરે સાડા ત્રણ વાગ્યે ચૂંટણી તારીખો જાહેર થઇ તેના ગણતરીના કલાકો પહેલાં જ સરકારે નવો જીઆર પ્રગટ કરી મુસ્લિમ ધાર્મિક સ્થળોનો પણ તેમાં ઉમેરો કર્યો હતો.દેખીતી રીતે જ સરકારે માત્રને માત્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને જે બેઠકો પર મુસ્લિમ મતો નિર્ણાયક સ્થિતિમાં છે ત્યાં પોતાની સ્થિતિ સુધારવા માટે આ નિર્ણય લીધો હોવાનું સ્પષ્ટ છે.

સીએમ તીર્થદર્શન યોજના હેઠળ માત્ર માટે વાર્ષિક અઢી લાખથી ઓછી આવક ધરાવતા અને 60 વર્ષથી વધુ વયની હોય તેવા વૃદ્ધોને વ્યક્તિદીઠ રૂપિયા 30 હજારની સહાય આપવાની દરખાસ્ત છે. આ ધર્મસ્થળોની યાદીમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ, પારસી અને જૈન તેમજ બૌદ્ધ ધર્મના ધર્મસ્થળોનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો