મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક, અજીત પવારના નિધન અંગે CM ફડણવીસનું પહેલું નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવ

VIDEO: મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક, અજીત પવારના નિધન અંગે CM ફડણવીસનું પહેલું નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, "મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો. અજિત પવારનું અવસાન મારા માટે વ્યક્તિગત નુકસાન છે. આ મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ છે. અજિતના અવસાનથી પવાર પરિવારને મોટો ફટકો પડ્યો છે. મેં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આ ઘટના વિશે જાણ કરી છે. અજિત પવારે મહારાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ મહેનત અને સંઘર્ષશીલ નેતા હતા. અજિત પવારના અવસાનને કારણે મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મારું હૃદય સુન્ન થઈ ગયું: ફડણવીસ

મુખ્યમંત્રી ફડણવીસે સોશિયલ મીડિયાપર પોસ્ટ કરતાં લખ્યું કે, દાદા ચાલ્યા ગયા! એક સરળ નેતા, મારા મિત્ર અને સાથીદાર, નાયબ મુખ્યમંત્રી અજિત દાદા પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન હૃદયદ્રાવક છે. મારું હૃદય સુન્ન છે. મારી લાગણીઓને વ્યક્ત કરવા મારી પાસે કોઈ શબ્દો નથી.મેં એક મજબૂત અને સારો મિત્ર ગુમાવ્યો છે. આ મારા માટે એક વ્યક્તિગત નુકસાન છે. આ એક એવું નુકસાન છે જેની ભરપાઈ થઈ શકે તેમ નથી. આજનો દિવસ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મુશ્કેલ છે. હું દાદાને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અમે તેમના સમગ્ર પરિવાર અને NCP પરિવારના દુઃખમાં સહભાગી છીએ. આ અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે. અમે તેમના પરિવારોના દુઃખમાં પણ સહભાગી છીએ. મેં મારા બધા કાર્યક્રમો રદ કર્યા છે. હું ટૂંક સમયમાં બારામતી જવા રવાના થઈ રહ્યો છું.

Dyputy CM એકનાથ શિંદેએ દુઃખ વ્યક્ત કર્યું

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આજે મહારાષ્ટ્ર માટે કાળો દિવસ છે, અને આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ ઘટનાએ બધાને દુઃખ પહોંચાડ્યું છે. અમારા સાથી અજિત દાદા પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ અમારા માટે અને મહારાષ્ટ્ર માટે ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવાર માટે પણ ખૂબ જ દુઃખદ છે. અજિત દાદા એક સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા હતા. કામ માટે તેમણે ક્યારેય "હું જોઈશ" અથવા "હું કરીશ" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો નહીં. જે કામ કરવા જોઈએ તેને તેઓ તરત જ હા કહેતા અને જે ન કરવા જોઈએ તેને તરત જ ના કહેતા. તેઓ સખ્ત શબ્દો વાપરતા પરંતુ હૃદયથી ખૂબ જ દયાળુ હતા. મેં આનો અનુભવ કર્યો છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો, ત્યારે તેમણે ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપી હતી. અમે બંને એક ટીમ તરીકે કામ કર્યું. અમે મહારાષ્ટ્રને આગળ લઈ જઈ રહ્યા હતા.

આ સમાચાર શેર કરો