"જો હું શરદ પવારનો પુત્ર હોત તો..." અજિત પવારની એ એક ઈચ્છા જે કાયમ માટે રહી ગઈ અધૂરી
If I were Sharad Pawar's son, Ajit Pawar's wish that remained unfulfilled forever | મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી, 2026) વ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી, 2026) વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. પ્રશાસન પર જબરદસ્ત પકડ ધરાવતા અજિત પવાર એક રેકોર્ડબ્રેક રાજકીય કારકિર્દી અને એક અધૂરી ઈચ્છા સાથે વિદાય પામ્યા છે.
મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હતી
અહેવાલો અનુસાર, અજિત પવારની એક ઈચ્છા કાયમ માટે અધૂરી રહી ગઈ તે હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (CM) બનવાની. તેમણે અનેકવાર સાર્વજનિક મંચ પરથી પોતાની આ વેદના વ્યક્ત કરી હતી. શરદ પવારથી અલગ થઈને NCPમાં બળવો કર્યા બાદ તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, 'જો હું શરદ પવારનો પુત્ર હોત, તો શું મને મુખ્યમંત્રી બનવાની તક ન મળી હોત? મને ચોક્કસ મળી હોત. ફક્ત શરદ પવારનો પુત્ર નથી એટલે મને અન્યાય થયો છે.'
અજિત પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જમીની સ્તરના કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ હતી. પક્ષમાં ભંગાણ સર્જીને તેમણે NCP (અજિત પવાર જૂથ)ની સ્થાપના કરી અને ચૂંટણી પંચ પાસેથી અસલી NCPનું નામ અને ચિન્હ પણ મેળવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બુધવારે પ્રવાસ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માત પાછળના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તેમના નિધન પર દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.






