Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ajit Pawar: A tragic end to a brilliant journey from cooperative bank to Deputy CM

Ajit Pawar: સહકારી બેંકથી ડેપ્યુટી CM સુધીની શાનદાર સફરનો કરુણ અંત, જાણો કેવી રહી તેમની રાજકીય સફર

Timeછેલ્લું અપડેટ : 28 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ajit Pawar: સહકારી બેંકથી ડેપ્યુટી CM સુધીની શાનદાર સફરનો કરુણ અંત, જાણો કેવી રહી તેમની રાજકીય સફર
સોર્સ : gstv

મુંબઈ/બારામતી: 28  જાન્યુઆરી 2026 ની સવાર મહારાષ્ટ્ર માટે અમંગળ સાબિત થઈ છે. રાજ્યના લોકપ્રિય નેતા અને ડેપ્યુટી સીએમ અજિત પવારનું બારામતી ખાતે વિમાન લેન્ડિંગ સમયે સર્જાયેલી દુર્ઘટનામાં નિધન થયું છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.

App Store

દુર્ઘટનાની વિગતો

અજિત પવાર આજે સવારે મુંબઈથી પોતાના ગઢ ગણાતા બારામતી જવા માટે રવાના થયા હતા. ત્યાં તેમની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આશરે ૮:૪૫ વાગ્યે જ્યારે તેમનું ચાર્ટર વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાન રનવે પરથી ઉતરી ગયું અને જોતજોતામાં આગના ગોળામાં ફેરવાઈ ગયું. DGCA અને સ્થાનિક તંત્રએ પુષ્ટિ કરી છે કે આ અકસ્માતમાં કોઈ પણ બચી શક્યું નથી.

રાજકીય સફર: શૂન્યમાંથી સર્જન

અજિત પવારનો જન્મ 22  જુલાઈ 1959 ના રોજ અહેમદનગરના દેવલાલી પ્રવરામાં થયો હતો. તેમના પિતા અનંતરાવ પવાર ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. જોકે, અજિત પવારના જીવન પર સૌથી વધુ પ્રભાવ તેમના કાકા અને મહારાષ્ટ્રના ભીષ્મ પિતામહ ગણાતા શરદ પવારનો રહ્યો હતો.

તેમના પિતાનો ફિલ્મ ઉદ્યોગ સાથે સંબંધ હતો, પરંતુ તેમનો પુત્ર રાજકીય દિગ્ગજ બન્યો

અજીત પવારના પિતા અનંતરાવ પવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. અનંતરાવ વી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. જોકે, અજિત પવાર રાજકારણ તરફ ઝુકાવ ધરાવતા હતા, તેથી તેમણે તેમના કાકા પાસેથી રાજકારણની કળા શીખી અને પાયાના સ્તરે વ્યાપકપણે કામ કર્યું. 

તેમણે ક્યાં અભ્યાસ કર્યો?

અજીત પવારે તેમનું પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી હાઇ સ્કૂલ, બારામતીમાંથી મેળવ્યું. જોકે, તેમના પિતાનું કોલેજમાં અભ્યાસ કરતી વખતે અવસાન થયું. આ પછી, તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો નહીં અને રાજકારણમાં પ્રવેશ કર્યો. 

  • શરૂઆત: અજિત પવારે 1982 માં એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડ મેમ્બર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
  • સંસદીય સફર: 1991 માં તેઓ પહેલીવાર બારામતી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ કાકા શરદ પવાર માટે તેમણે આ બેઠક ખાલી કરી આપી હતી.
  • વિધાનસભા પર પકડ: 1991 ની પેટાચૂંટણીમાં તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા અને ત્યારથી આજ દિન સુધી બારામતી વિધાનસભા બેઠક પર તેમનું એકહથ્થુ શાસન રહ્યું હતું.
  • મહારાષ્ટ્રના ઈતિહાસમાં સૌથી વધુ 6 વખત નાયબ મુખ્યમંત્રી બનનારા અજિત પવાર એકમાત્ર નેતા હતા. તેમની રાજકીય કુશળતા એવી હતી કે વિચારધારા અલગ હોવા છતાં તેઓ દરેક સરકારમાં અનિવાર્ય રહ્યા. વર્ષ 2010માં પૃથ્વીરાજ ચવ્હાણ સરકારમાં પ્રથમવાર પદ સંભાળ્યું. વર્ષ 2019માં દેવેન્દ્ર ફડણવીસ સાથેની રાતોરાત બનેલી ટૂંકી સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા. મહા વિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પણ આ જ જવાબદારી નિભાવી હતી. આ ઉપરાંત એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડાઈને ફરી જવાબદારી નિભાવી હતી.

    અજિત પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જમીની સ્તરના કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા પ્રચંડ હતી. પક્ષમાં ભંગાણ સર્જીને તેમણે NCP (અજિત પવાર જૂથ)ની સ્થાપના કરી અને ચૂંટણી પંચ પાસેથી અસલી NCPનું નામ અને ચિન્હ પણ મેળવ્યું હતું.

વહીવટના માસ્ટર અને 'દાદા'ની છબી

મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારને 'દાદા' તરીકે ઓળખવામાં આવે છે. તેમની છબી એક સ્પષ્ટવક્તા અને પરિણામલક્ષી નેતા તરીકેની હતી. તેઓ વહીવટમાં ખૂબ જ કડક હતા અને અધિકારીઓ પણ તેમની કાર્યશૈલીથી ફફડતા રહેતા. રાજ્યના નાણામંત્રી તરીકે તેમણે અનેક બજેટ રજૂ કર્યા અને મહારાષ્ટ્રના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.

કાકા સાથે બળવો અને નવો વળાંક

2022-23 નો સમયગાળો અજિત પવારના જીવનનો સૌથી મોટો વળાંક હતો. દાયકાઓ સુધી શરદ પવારની છાયામાં રહ્યા બાદ, તેમણે પોતાની અલગ રાજકીય કેડી કંડારી. તેઓ NCPના મોટાભાગના ધારાસભ્યો સાથે શિંદે-ભાજપ સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યા. ચૂંટણી પંચે પણ પાછળથી તેમના જૂથને જ અસલી NCP તરીકે માન્યતા આપી હતી.

અજિત પવારનું અંગત જીવન

અજિત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે થયા હતા. તેમને બે પુત્રો છે, પાર્થ પવાર અને જય પવાર. તેઓ હંમેશા પરિવાર અને રાજકારણ વચ્ચે સંતુલન જાળવવા માટે જાણીતા હતા.

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ખોટ પડી છે જે ક્યારેય પુરાશે નહીં. તેઓ માત્ર એક નેતા નહીં, પણ લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત હતા. બારામતીના વિકાસમાં તેમણે જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રાખવામાં આવશે.