વાયુ પ્રદૂષણથી 20 લાખ મોત! FICCIના રિપોર્ટને ટાંકી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

વાયુ પ્રદૂષણથી 20 લાખ મોત! FICCIના રિપોર્ટને ટાંકી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
તસવીર: Google
આ સમાચાર સાંભળો

દિવાળી પછી દેશભરના મોટા શહેરોમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણના મુદ્દે કોંગ્રેસ નેતા અને મહાસચિવ જયરામ રમેશે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના એક અહેવાલને ટાંકીને સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે.

સરકાર વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી: જયરામ રમેશ

જાહેરાત

જયરામ રમેશે જણાવ્યું કે, 'મોદી સરકાર લાંબા સમયથી એ વાત સ્વીકારવાનો ઇનકાર કરતી રહી છે કે દેશમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. સરકારે સંસદની અંદર અને બહાર અનેક અહેવાલોને એમ કહીને ફગાવી દીધા છે કે આ અહેવાલો ભારતના સંદર્ભમાં યોગ્ય નથી, તેમજ તેની અસરો સીધી રીતે કે માત્ર આ એક જ કારણથી જોડાયેલી નથી. જોકે, હવે FICCI-EY નો એક વિસ્તૃત અહેવાલ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 2023માં ભારતમાં થયેલા લગભગ 20 લાખ (કુલ મોતના આશરે 22%) મૃત્યુ માટે વાયુ પ્રદૂષણ સીધું જવાબદાર હતું.'

સ્વચ્છ હવામાં શ્વાસ લેવો એ પાયાની જરૂરિયાત

સરકારના વલણની આકરી ટીકા કરતા કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે, 'આ અહેવાલ ઘોર નિંદ્રામાં પોઢેલી મોદી સરકાર માટે વધુ એક ચેતવણીરૂપ છે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' બરાબર છે, પરંતુ 'ઇઝ ઓફ બ્રીધિંગ' (સ્વચ્છ હવામાં શ્વાસ લેવાની સુવિધા) એ તેના કરતાં પણ વધારે પાયાની જરૂરિયાત છે. ભારતના ઘણા વિસ્તારોમાં PM2.5 હવે એક જીવલેણ જોખમ બની ચૂક્યું છે.'

પ્રદૂષણ નિયંત્રણ માટે જયરામ રમેશનો 3 મુદ્દાનો રોડમેપ

વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી બહાર આવવા માટે તેમણે 3 મુદ્દાનો એક કાર્યક્રમ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, 'સુધારાનો એજન્ડા ઘણા સમયથી સ્પષ્ટ છે અને FICCIનો આ અહેવાલ રાષ્ટ્રીય સ્તરે પગલાં લેવા માટે 10 વર્ષનો એક જરૂરી અને તબક્કાવાર રોડમેપ પૂરો પાડે છે. તેનો તાત્કાલિક અમલ શરૂ થવો જોઈએ.

‘આ 3 મુદ્દાના રોડમેપનો તાત્કાલિક અમલ કરો’

1… PM2.5 અને ઓઝોનના હાલના ધોરણો વધુ કડક બનાવીને WHO દ્વારા સૂચવેલા સુરક્ષિત સ્તરોની સમકક્ષ લાવવામાં આવે.
2… 'નેશનલ ક્લીન એર પ્રોગ્રામ'માં સુધારો કરીને PM2.5 અને ઓઝોન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
3… 'વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981'ની જગ્યાએ એક નવો 'ક્લીન એર એક્ટ' લાવવામાં આવે, જે સંપૂર્ણપણે જાહેર આરોગ્ય પર કેન્દ્રિત હોય. આ પગલું એટલા માટે અનિવાર્ય છે કારણ કે હવે વાયુ પ્રદૂષણના સ્ત્રોતો અને લોકોના સ્વાસ્થ્ય પર તેની ઘાતક અસરો અંગે ઘણા નવા અને મજબૂત પુરાવાઓ સામે આવી ચૂક્યા છે.'

FICCIના વિશ્લેષણને અવગણી ન શકાય

અંતમાં જયરામ રમેશે દાવો કર્યો કે, 'દેશના અગ્રણી ઉદ્યોગ સંગઠન (FICCI) તરફથી આવેલા આ વિશ્લેષણને મોદી સરકાર ચોક્કસપણે નજરઅંદાજ કરી શકે નહીં, કારણ કે આ સંગઠનનો એક લાંબો અને પ્રતિષ્ઠિત ઇતિહાસ રહ્યો છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત