16 વર્ષના છોકરાએ ઘડ્યો ડબલ મર્ડરનો પ્લાન, દિવાળીના દિવસે શૂટર પાસે કરાવી કાકા-ભત્રીજાની હત્યા
દિલ્હીના શાહદરામાં દિવાળીની રાત્રે એક જ પરિવારના બેના મૃત્યુથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગુરુવારે (31

દિલ્હીના શાહદરામાં દિવાળીની રાત્રે એક જ પરિવારના બેના મૃત્યુથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગુરુવારે (31મી ઓક્ટોબર) પરિવાર તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બે હથિયારધારી શખસો આવ્યા અને 40 વર્ષીય વ્યક્તિ અને તેના 16 વર્ષના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દીધી. 10 વર્ષનો કિશોર ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો: અર્થશાસ્ત્રી બિબેક દેબરોયનું નિધન, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના હતા અધ્યક્ષ
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, આ ઘટનામાં આકાશ શર્મા ઉર્ફે છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્માનું મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિશ શર્માને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. પીડિત લોકો શાહદરાના ફરશ બજાર વિસ્તારમાં તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. રાત્રે 8 વાગ્યાની આસપાસ તેમના પર હુમલો થયો હતો. હત્યાના પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે આરોપીએ ગોળી મારતા પહેલા આકાશ શર્માના પગને સ્પર્શ કર્યો હતો. તમામ પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ બે મૃત્યુ પામ્યા હતા.
ઘટનાના સીસીટીવીમાં કેદ
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પીળા કુર્તામાં આકાશ અને ઋષભ શેરીમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન એક સ્કૂટર પર બે લોકો આવે છે અને સ્કૂટર પર બેઠેલી વ્યક્તિ આકાશના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. સ્કૂટર પરથી નીચે ઉતરીને બીજો વ્યક્તિ ઊભો છે. તે અચાનક બંદૂક કાઢીને આકાશને ગોળી મારે છે. ક્રિશને પણ દરવાજાની અંદર ગોળી વાગી છે. ફટાકડા સળગાવી રહેલો ઋષભ કંઈક સમજી શક્યો ત્યાં સુધીમાં સ્કૂટી સવારો ભાગવા લાગ્યા. જ્યારે ઋષભ તેમની પાછળ દોડે છે, ત્યારે તેઓ તેને પણ ગોળી મારીને ફરાર થઈ જાય છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા છે, જ્યારે ક્રિશ શર્માની સારવાર ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ આ પરસ્પર દુશ્મનાવટનો મામલો લાગે છે. આ કેસમાં પોલીસે એક સગીરની અટકાયત કરી હતી. હાલમાં પીડિતાના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવશે અને વધુ તપાસ ચાલુ છે.
ડબલ મર્ડરનો માસ્ટરમાઇન્ડ હતો 16 વર્ષનો છોકરો
દિવાળીના દિવસે થયેલા ડબલ મર્ડરનો માસ્ટરમાઇન્ડ 16 વર્ષનો છોકરો હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે હત્યાને અંજામ આપવા માટે એક શૂટર રાખ્યો હતો. તેણે લગભગ 17 દિવસ પહેલા આ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
આકાશના ભાઈ અને માતાએ મીડિયાને જણાવ્યું કે, તેઓ હુમલાખોરોમાંથી એકને ઓળખે છે અને તેમની વચ્ચે જમીનને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. આકાશના ભાઈ અને મૃતક ઋષભના પિતા યોગેશે કહ્યું, "આ ઘટના ગુરુવારે સાંજે 7:30-8:00 વાગ્યાની આસપાસ બની હતી. બે લોકો આવ્યા હતા, જેમાં સ્કૂટર પર સવાર મારા ભત્રીજા અને એક અજાણ્યા વ્યક્તિ હતા. મારા ભાઈ અને પુત્રની તે અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા મારા ભાઈને કોઈની સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો."
દિલ્હી પોલીસ ડબલ મર્ડરના આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સગીરને કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ 17 દિવસ પહેલા હત્યાની યોજના બનાવી હતી. પોલીસ તપાસ મુજબ મૃતક અને આરોપી વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો.








