મણિપુરમાં ઝેરી દારૂથી 15નાં મોત: રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું- આ બેદરકારીનું પરિણામ

મણિપુરમાં ઝેરી દારૂથી 15નાં મોત: રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું- આ બેદરકારીનું પરિણામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મણિપુરના ચંદેલ જિલ્લામાં ભેળસેળયુક્ત દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 15 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. જ્યારે 150થી 250 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ ઘટનાને સરકારની બેદરકારીનું પરિણામ ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઝેરી દારૂના કારણે થયેલાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ માત્ર દુર્ઘટના નથી, પરંતુ ભાજપ સરકારની બેદરકારીનું પરિણામ છે. તેમણે મણિપુરમાં અગાઉ થયેલી હિંસાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હિંસાએ પહેલાં અનેક પરિવારોનાં ઘર ઉજાડ્યાં અને હવે ઝેરી દારૂ લોકોનાં જીવન છીનવી રહ્યો છે, તેમ છતાં સરકાર નિષ્ક્રિય છે. તેમણે દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને વિલંબ વિના સંપૂર્ણ સહાય અને યોગ્ય વળતર આપવાની માગ કરી છે.

જાહેરાત

મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી

ચંદેલ જિલ્લાના ચકપિકારોંગ અને આસપાસના વિસ્તારોમાં ઝેરી દારૂ પીધા બાદ અનેક લોકોને ચક્કર આવવા, પેટમાં દુખાવો, ઊલટી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ હતી. કેટલાક દર્દીઓમાં મેથનોલ ઝેરની અસર (Methanol Poisoning)નાં લક્ષણો જોવા મળ્યાં હતાં. અમુક દર્દીઓને હીમોડાયાલિસિસ (Hemodialysis)ની પણ જરૂર પડી હતી. મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાથે જ પીડિતોને આર્થિક સહાય અને સંપૂર્ણ તબીબી સારવાર પૂરી પાડવાનું પણ જણાવ્યું હતું.

કાકચિંગના સુગ્નુમાંથી ખરીદાયો હતો દારૂ

પોલીસના જણાવ્યા અનુસાર, આ દારૂ કાકચિંગ જિલ્લાના સુગ્નુ વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હતો. ચંદેલ જિલ્લામાં તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થયું હોવાની માહિતી નથી. પ્રશાસને લોકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ સ્ત્રોતોમાંથી દારૂ ન ખરીદવા અપીલ કરી છે. બીજી તરફ, આ ઘટનામાં મૃત્યુઆંક અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત