મણિપુરમાં ઝેરી દારૂનો કહેર: 13નાં મોત, 346થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ; મેથેનોલ ઝેરની આશંકા

મણિપુરના ચંદેલ (Chandel) જિલ્લામાં શંકાસ્પદ ભેળસેળવાળા દારૂના સેવનથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે 346થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 18 નવેમ્બરથી શરૂ થયેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. પ્રાથમિક આશંકા મુજબ દારૂમાં મેથેનોલ (Methanol) નામના ઝેરી કેમિકલની હાજરી હોઈ શકે છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તબીબી અને વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે.
અનેક ગામોના લોકો અસરગ્રસ્ત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચકપિકરોંગ (Chakpikarong), નુન્ગપાન અને આસપાસનાં ગામોના લોકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. દર્દીઓને સારવાર માટે ઇમ્ફાલની જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (JNIMS), રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (RIMS), શિજા અને બાબિના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દર્દીઓમાં ચક્કર આવવા, પેટમાં દુખાવો અને અન્ય ગંભીર લક્ષણો જોવા મળ્યાં છે. કેટલાક દર્દીઓને હેમોડાયાલિસિસ (Haemodialysis)ની પણ જરૂર પડી રહી છે.
મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી
મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈને સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ચાર રેપિડ રિસ્પોન્સ ટીમ (Rapid Response Teams)ને દવાઓ અને ઓક્સિજન સાથે અસરગ્રસ્ત જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
દારૂના સ્ત્રોતની તપાસ શરૂ
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, શંકાસ્પદ ભેળસેળવાળો દારૂ પડોશી કાકચિંગ જિલ્લાના સુગુનુ (Sugnu) વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. જિલ્લા પ્રશાસને લોકોને સ્થાનિક રીતે બનાવેલા અથવા શંકાસ્પદ સ્ત્રોતમાંથી મળતા દારૂનું સેવન ન કરવા ચેતવણી આપી છે. પ્રશાસને દારૂ પીધા બાદ ઊલટી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર, ધૂંધળી દ્રષ્ટિ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.













