'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનની પડખે કેમ ઊભું હતું ચીન? અમેરિકન રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, ડ્રેગનનો આ નાપાક પ્લાન જાણીને ચોંકી જશો!

ગત વર્ષે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ચીનની ભૂમિકાને લઈને અમેરિકન કોંગ્રેસની એક પેનલના વાર્ષિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર, ચીને એશિયામાં ભારતના વધતા પ્રભાવ અને શક્તિને રોકવા માટે પડદા પાછળથી પાકિસ્તાનને સૈન્ય અને ટેકનિકલ મદદ પૂરી પાડી હતી.
ઓપરેશન સિંદૂરમાં ચીને પાકિસ્તાનની કેવી રીતે મદદ કરી?
અમેરિકન રિપોર્ટ મુજબ, ચીને સીધી રીતે યુદ્ધમાં ભાગ લીધો ન હતો, પરંતુ સંકટના સમયે પાકિસ્તાનને મજબૂત કરવા માટે તમામ પ્રકારનો ટેકો આપ્યો હતો. ચીનના એન્જિનિયરોએ પાકિસ્તાની વાયુસેનાના J-10CE ફાઈટર જેટ્સને પૂરી ક્ષમતાથી ચલાવવા માટે ઓન-સાઈટ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. આ ઉપરાંત, લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે પણ અગાઉ જણાવ્યું હતું કે ચીને સંઘર્ષ દરમિયાન ભારતીય સેનાની તૈનાતી અંગેની 'રિયલ-ટાઈમ' માહિતી પાકિસ્તાનને આપી હતી. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ચીન અને પાકિસ્તાનની વધતી જતી સૈન્ય ભાગીદારી ભારત માટે ભવિષ્યમાં 'બે મોરચે યુદ્ધ' (Two-front war) નો પડકાર વધારી શકે છે.
સરહદ (LAC) અને હિંદ મહાસાગરમાં દબાણ વધારવાની ચાલ
રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન માત્ર પાકિસ્તાનની મદદ પૂરતું સીમિત નથી, પરંતુ તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે એરફિલ્ડ, રેલવે અને અન્ય સૈન્ય માળખાગત સુવિધાઓ ઝડપથી વધારી રહ્યું છે, જેથી જરૂર પડ્યે સૈનિકો અને હથિયારોને ઝડપથી સરહદ પર પહોંચાડી શકાય. અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તણાવ યથાવત હોવાની સાથે ચીન હિંદ મહાસાગરમાં પણ પોતાની નૌસેનાની હાજરી અને જાસૂસી ગતિવિધિઓ વધારી રહ્યું છે.
આર્થિક મોરચે પણ ભારતને ઘેરવાનો પ્રયાસ
અમેરિકન પેનલના મતે, ચીન ભારત પર દબાણ લાવવા માટે પોતાની આર્થિક તાકાતનો પણ હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ચીને ભારતને થતી કેટલીક જરૂરી ઔદ્યોગિક ચીજવસ્તુઓ અને મશીનરીની નિકાસ અટકાવી છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા ચીની એન્જિનિયરોને પરત બોલાવી લીધા છે. દવા બનાવવા માટે વપરાતા કાચા માલ (API) ની કિંમતો અત્યંત ઘટાડી દીધી છે, જેથી ભારતીય કંપનીઓ બજારમાં ટકી ન શકે. બેટરી ટેકનોલોજીની નિકાસ પર નિયંત્રણ મૂકીને ભારતના ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સને અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
ભારત-અમેરિકા સહયોગ વધારવાની ભલામણ
અમેરિકન રિપોર્ટનો સ્પષ્ટ સંદેશ છે કે એશિયામાં ચીનની વધતી દાદાગીરીને સંતુલિત કરવામાં ભારતની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. તેથી જ પેનલે ભારત સાથે સંરક્ષણ ટેકનોલોજી, ગુપ્તચર માહિતી, દરિયાઈ સુરક્ષા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અમેરિકાનો સહયોગ વધુ મજબૂત બનાવવાની ભલામણ કરી છે.













