VIDEO: 'જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ', શિંદે જૂથના ધારાસભ્યે આપી ધમકી
કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ

કોંગ્રેસના સાંસદ અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું. અમેરિકામાં તેમના નિવેદનોને કારણે દેશમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ત્યારે શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.'
દેશમાંથી અનામત ખતમ કરવાની હિમાયત કરી રહ્યા છે
શિવસેનાના ધારાસભ્યે કહ્યું કે, રાહુલ ગાંધીએ 'સંવિધાન જોખમમાં છે' એવી ખોટી વાતો કરીને લોકસભા ચૂંટણીમાં મત મેળવ્યા હતા. હવે તે દેશમાંથી અનામત ખતમ કરવાની હિમાયત કરી રહ્યા છે. તે પછાત વર્ગો અને આદિવાસીઓને આપવામાં આવેલી અનામતને 100 ટકા સમાપ્ત કરવા માંગે છે. સંજય ગાયકવાડે કહ્યું કે, હું કહું છું કે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ. શિવસેના નેતાના આ નિવેદન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો
શિવસેનાના ધારાસભ્યએ પોતાના ભાષણમાં કહ્યું કે, તેઓ રાહુલ ગાંધી વિશે નિવેદન લોકપ્રિયતા મેળવવા માટે નથી આપી રહ્યા. આ નિવેદન પછાત અને ઓબીસી સમાજની દુર્દશાને જોતાં આપ્યું છે. રાહુલ ગાંધીની અનામત ખતમ કરવાની વાતથી તેઓ ગુસ્સે ભરાય છે. અને એટલે તેમના મગજમાં આ વાત આવી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો છે. કોંગ્રેસે આ નિવેદનની ટીકા કરવા સાથે આ બાબત રાહુલ ગાંધી માટે ખતરનાક ગણાવી છે.
જણાવી દઈએ કે, બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.'
કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનથી કોંગ્રેસ ભડકી ગઈ છે અને કહ્યું કે, બિટ્ટુએ પોતાના મગજની સારવાર કરાવવી જોઈએ. બિટ્ટુએ પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.'
કોંગ્રેસ નેતાઓએ સાધ્યું નિશાન
ભાજપ નેતાના આ નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પંજાબમાં વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ રવનીત સિંહ બિટ્ટુની ટિપ્પણીની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, 'રાહુલ ગાંધી વિશે બિટ્ટુની ટિપ્પણી ન માત્ર શિક્ષણ અને સંસદીય સિદ્ધાંતોની સમજણનો અભાવ દર્શાવે છે. પરંતુ જવાબદાર જાહેર વર્તણૂકની સ્પષ્ટ ઉપેક્ષા પણ દર્શાવે છે. તેમની આ ટિપ્પણી પરથી પ્રતીત થાય છે કે, તેમણે પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તમે મનોચિકિત્સકની મદદ લઈને પોતાના મગજની સારવાર કરાવી લો. બિટ્ટુની બેજવાબદાર ટિપ્પણી લોકશાહીનું અપમાન છે અને તેમને માફ ન કરી શકાય.'








