સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, ગુજરાતના 21 તાલુકામાં માવઠું

ગુજરાતમાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર સહિતની સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેવામાં હવામાન વિભાગે શનિવારે(31 ઑક્ટોબર) હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
4 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ
હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, 31 ઑક્ટોબરના રાત્રે 8 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
7 જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 31 ઑક્ટોબરના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
24 કલાકમાં 21 તાલુકામાં માવઠું
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કમોસમી વરસાદ
- લો પ્રેશર: દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર બનેલું લો-પ્રેશર એરિયા 31 ઑક્ટોબર, 2026ના રોજ સવારે 08:30 વાગ્યાથી બન્યા બાદ યથાવત રહ્યું છે. જો કે, સિસ્ટમ પશ્ચિમી પવનોના પ્રભાવ હેઠળ હોવાથી, હવે તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી 4.5 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે રહેલું ગઈકાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ છે.
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારો પર દરિયાની સપાટીથી 0.9 કિલોમીટર ઉપર રહેલું ગઈકાલનું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હવે વધુ સ્પષ્ટ રહ્યું નથી.















