મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: કચરાની ગાડી પર શ્રમિકોને ઘેટાં-બકરાની જેમ બેસાડાયા, VMC કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ફરી

Vadodara news: કચરાની ગાડી પર શ્રમિકોને ઘેટાં-બકરાની જેમ બેસાડાયા, VMC કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

સંસ્કારી નગરી વડોદરામાં મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીમાં 15 જેટલા શ્રમિકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ ચોંકાવનારો વિડીયો વડોદરાના ખિસકોલી સર્કલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાલિકાની કચરા ગાડીમાં સામાનની જેમ માણસોને ભરવામાં આવ્યા છે. અંદાજે 15 જેટલા લોકો આ ખુલ્લી ગાડીમાં લટકતી હાલતમાં અને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે જ આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

શહેરીજનોમાં ચર્ચા છે કે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. અગાઉ પણ કોર્પોરેશનની ગાડીઓમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાને બદલે માત્ર નોટિસ આપીને કે મામૂલી દંડ ફટકારીને સંતોષ માની લેવામાં આવે છે. તંત્રની આ નરમ નીતિને કારણે કોન્ટ્રાક્ટરોને આવી જોખમી પ્રવૃત્તિઓ કરવાનું પ્રોત્સાહન મળી રહ્યું છે.

ખાનગી વાહનો પર કાર્યવાહી, પાલિકાના વાહનો પર મહેરબાની? 

ઉલ્લેખનીય છે કે, માત્ર બે દિવસ અગાઉ જ વડોદરા આર.ટી.ઓ., જિલ્લા ટ્રાફિક પોલીસ અને એસ.ટી. વિભાગ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ યોજીને ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને વાહનો ડિટેઇન કરાયા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે, શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો અને ખાનગી વાહનો માટે જ છે? ડોર-ટુ-ડોર કોન્ટ્રાક્ટરની આ ગંભીર બેદરકારી સામે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર શું કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો