મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : નશાકારક પદાર્થોની હેરફેરમાં મહિલાઓ અને બાળકોનો પણ ઉપયોગ, 2 આરોપીઓની ધરપકડ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થોની હેરફેરની એક અલગ મોડસ ઓપરેન્ડી સામે આવી છે

અમદાવાદ : નશાકારક પદાર્થોની હેરફેરમાં મહિલાઓ અને બાળકોનો પણ ઉપયોગ, 2 આરોપીઓની ધરપકડ

Ahmedabad News : અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થોની હેરફેરની એક અલગ મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં હવે ડ્રગ્સ વગેરેની હેરફેરમાં મહિલાઓ અને બાળકોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદ પોલીસે આ રેકેટ ઝડપી પાડ્યું છે. 

મહિલાએ એક યુવકને ઈન્જેક્શન વેચવા રોજની રૂ.500 મજૂરીએ રાખ્યો 

અમદાવાદના પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં પોલીસે નશાનો એક અનોખો કારોબાર પકડી પાડ્યો છે. ઇસનપુર પોલીસે બાતમીના આધારે સોહેલ શેખની ધરપકડ કરી અને તેની પાસેથી નશાકારક ઈન્જેકશન કબ્જે કર્યા. પોલીસે ધરપકડ કરીને તપાસ કરી તો જાણવા મળ્યું કે કલીમ ઉર્ફે ભૈયા પઠાણની પત્નીએ સોહેલને મજૂરી પર રાખ્યો હતો અને ઈન્જેકશન વેચવા માટે રોજની 500 રૂપિયા મજૂરી આપી વેચાણ કરાવતી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ઈન્જેકશન બાળકો અને યુવકોને વેચવામાં આવતા હતા. 

ઈન્જેક્શન અને નીડલનો જથ્થો વેચનાર હાર્દિક ઝાલાવડીયાની ધરપકડ 

પોલીસની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું કે કલીમની પત્ની નાઝિયાએ આ ઈન્જેક્શન અને નીડલનો જથ્થો કર્ણાવતી ફાર્માના માલિક હાર્દિક ઝાલાવાડિયા પાસેથી લીધો હતો, જેથી ઈસનપુર પોલીસે સોહેલ શેખ સાથે હાર્દિક ઝાલાવડીયાની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બાળકો થકી અને બાળકોને આ ઇન્જેક્શન રૂ.100માં વેંચતા હતા. આરોપી કલીમ પઠાણ શરીર સંબંધી ગુના હેઠળ પાસામાં જેલમાં છે.સલીમની પત્ની નાઝિયા બીમાર હોવાથી પોલીસે નોટિસ આપી  છે. 

આરોપી હાર્દિક અન્ય વ્યક્તિના લાયસન્સ ઉપર દવાઓનું વેચાણ કરતો જેથી પોલીસ આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરશે. 

પોલીસે સમગ્ર કેસમાં સોહેલ શેખ સાથે હાર્દિક ઝાલાવડીયા આ બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે નશાના આ કારોબારમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ ઈન્જેક્શન અન્ય કોણ કોણ ખરીદી કરી વેચી રહ્યું છે.

આ સમાચાર શેર કરો