અંકલેશ્વરમાં વહેલી સવારે ડ્યુટી પરથી ઘરે જતાં PSIએ સર્જયો અકસ્માત, ચૂલો સળગાવતી મહિલાનું મોત
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા PSI એમ.જી રાજપૂત ગત રાત્રીના રોજ, ડ્ય

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા PSI એમ.જી રાજપૂત ગત રાત્રીના રોજ, ડ્યુટી પુરી કરીને વહેલી સવારે 5 વાગ્યે તેઓ પોતાની સ્વીફ્ટ કાર લઇ ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન ભાંગવાડ નજીક પહોંચતા જ અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં ઘર પાસે, પાણી ગરમ કરવા ચૂલો સળગાવી રહેલી 39 વર્ષીય પ્રીતિબેન કિરણ વસાવા તરફ ધસી આવી હતી. અને કાર ચૂલો તોડી પ્રીતિબેનને ઢસડી નજીકમાં એક્ટીવા સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પ્રીતિબેનને ગંભીર ઈજાઓ પહોંચતા કાર ચાલક PSI તાત્કાલીક બહાર આવી 108 તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જો કે અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો. અને પોલીસકર્મીને ઘેરી વળી ઉગ્ર બોલાચાલી કરી હતી. દરમિયાન ઈજાગ્રસ્ત પ્રીતિબેન વસાવાને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટના અંગે મૃતકની પુત્રી કિરણબેન વસાવાએ પી.એસ.આઈ. એમ.જી.રાજપૂત વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ પણ ફેલાયો હતો. અને અચાનક રહીશો પોલીસ મથકે પણ ધસી આવી રજૂઆતો કરી હતી. જો કે પોલીસ વિભાગ દ્વારા તેમની રજુઆત સાંભળી કાર્યવાહીનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.





