VIDEO: સુરતમાં બે ગંભીર અકસ્માતમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
સુરતના સરદાર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ સાથે 10 વર્ષીય બાળકીનો અકસ્માત થયો હતો.
સુરતના સરદાર બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં 108 એમ્બ્યુલન્સ સાથે 10 વર્ષીય બાળકીનો અકસ્માત થયો હતો. બાળકી સાયકલ લઈને સ્કૂલે જવા જોયા વિના રોડ ક્રોસ કરી રહી હતી, એવામાં અચાનક બાળકી 108 એમ્બ્યુલન્સની અડફેટે આવતા 20 ફૂટ ફંગોળાઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
108નો પાયલોટ અકસ્માત બાદ પરત એમ્બ્યુલન્સ લઈને આવ્યો હતો. અકસ્માત થયો તે જ એમ્બ્યુલન્સમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને સામાન્ય ઇજા પહોંચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. 108ના પાયલોટની માનવતાને પરિવાર તેમજ સ્થાનિક લોકોએ આભાર માન્યો હતો.
માંડવી નજીક હાઈવે પર અકસ્માતમાં દંપતીમાંથી મહિલાનું મોત
સુરતમાં બીજો એક અકસ્માત સર્જાયો હતો. જ્યાં માંડવીના તડકેશ્વર ટોલનાકા નજીક સ્ટેટ હાઈવે પર બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર દંપતી પૈકી મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ટોલનાકા નજીક સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આક્ષેપ લગાગવ્યો હતો કે ટોલ નાકા ખાતે બમ્પર ન મૂકતા અહીં વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે.
અકસ્માતની ઘટના બાદ ભારે રોષ સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તેમજ મૃતક મહિલાના પરિવાર જનો દ્વારા ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તેમજ જ્યાં સુધી કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા ચીમકી પણ આપવામાં આવી છે. અકસ્માતને પગલે મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે અકસ્માતની જાણ થતાં જ જિલ્લા LCB, SOG અને માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






